ઓનલાઇન શોપિંગના ચક્કરમાં : માત્ર ૩૦ મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી ૩૭ લાખ ટ્રાન્સફર

  • બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા,

આજકાલ ઓનલાઇન છેતરપિંડીની ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તાજેતરમાં જ ઓનલાઇન શોપિંગના ચક્કરમાં નવસારીના ઝ્રછએ ૨૩ લાખ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે લાલચમાં આવી ઓટીપી કે કોઇ લિંક પર ક્લિક કરતા લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જોકે આજે મહેસાણામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેથી સૌકોઇ ગોથે ચડી ગયા છે. મહેસાણાના બિલ્ડરે ના કોઈ ઓટીપી આપ્યો હતો કે ના કોઇ લિંક પર ક્લિક કર્યું હતું છતાં ગઠિયાઓએ માત્ર ૩૦ મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી ૩૭ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા, જેથી બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા શહેરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઈ પટેલ ૨૧ તારીખે પોતાની ઓફિસે હાજર હતા. એ દરમિયાન બપોરના સમયે ૩.૧૯ વાગ્યે તેમના ફોન પર રૂપિયા ૧૦ લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તરત જ ૩.૨૦ વાગ્યે બીજા ૧૦ લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં બિલ્ડર ચોકી ઊઠ્યા હતા અને તેઓ તાત્કાલિક પાચોટ નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં પહોંચ્યા હતા, જ્યાં જઇ પોતાનું ખાતું બંધ કરવાની પ્રોસેસ કરી રહ્યા હતા, એ દરમિયાન ફરી ૩.૪૯ કલાકે ૧૭ લાખ રૂપિયા ડેબિટ થયાનો ત્રીજો મેસેજ પડતાં બેંકવાળા પણ ચોંકી ઊઠ્યા હતા.

આ સમગ્ર મામલે સ્થાનિક બેંકને જાણ કરવામાં આવતાં બેંક કર્મચારીઓએ વેપારીને જણાવ્યું કે તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. બિલ્ડરે બેંકની ઓનલાઈન એપ્લિકેશનમાં પોતાનું યુઝર આઈડી પાસવર્ડ નાખતાં એપ્લિકેશન પણ ખૂલી નહોતી, જેથી બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવી દીધું હતું.

આ સમગ્ર મામલે બેંક દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ બિલ્ડરના ખાતામાંથી કુલ ૩૭ લાખ રૂપિયા અન્ય બે ખાતાંમાં ટ્રાન્સફર કરાયા છે. એમાં ૧૦ લાખ રૂપિયા આઇસીઆઇસીઆઇ બેંકના ખાતા નંબર- ૧૬૧૨૦૫૫૦૧૦૫૧માં અને ૦૯૨૮૦૫૦૦૧૮૭૦ ખાતા નંબરમાં ૨૭ લાખ રૂપિયા બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.