ઓનલાઈન ગેમના નામે છેતરપિંડી, નાગપુરના બિઝનેસમેન પાસેથી લૂંટ્યા ૫૮ કરોડ રૂપિયા

દેશમાં ઓનલાઈન ગેમના (Online Game) નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ હાલમાં સામે આવી રહ્યા છે. તેમ છતા પણ લોકો આવા ઠગની જાળમાં ફસાઈ છે અને રૂપિયા ગુમાવે છે. આ પ્રકારની એક ઘટના મહારાષ્ટ્રના નાગપુરથી (Nagpur) સામે આવી છે. ઓનલાઈન છેતરપિંડી કરીને એક વેપારી પાસેથી 58 કરોડ રૂપિયાથી વધુની લૂંટ થઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં વેપારી સતત ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો અને પૈસા ગુમાવતો રહ્યો હતો.

આ ઘટના અંગે વેપારીએ જણાવ્યું કે, જ્યારે તે ઓછા રૂપિયાની શરત લગાવતો ત્યારે તે જીતતો હતો, પરંતુ જેમ તે વધાર રકમની શરત લગાવતો ત્યારે તે હારતો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે કાર્યવાહી કરી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. આ કેસમાં આરોપી નવરતન જૈનનું નામ સામે આવી રહ્યું છે. ફરિયાદના આધારે નાગપુર પોલીસે ગોંદિયાના એક અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ મામલો આટલો મોટો હશે તેની પોલીસને કલ્પના પણ નહોતી.

પોલીસે ફરિયાદના આધારે આરોપીઓના અડ્ડા પર દરોડા પાડ્યા તો તેમને અહીંથી 10 કરોડ રૂપિયા રોકડા અને 4 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે ઘટનાસ્થળેથી અનેક લોકોની અટકાયત કરી છે. જોકે મુખ્ય આરોપી અનંત નવરતન જૈન હાલ ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દુબઈ ભાગી ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નાગપુરના પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે કહ્યું કે, જ્યારે પીડિતાએ પૈસા ગુમાવ્યા ત્યારે આરોપી નવરતન જૈન તેને સાંત્વના આપતો કે એક દિવસ તે તેના બધા હારેલા રૂપિયા પરત અપાવશે. તેના કારણે પીડિત વારંવાર નાણાનું રોકાણ કરતો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે પણ તે ઓછા પૈસાની શરત લગાવતો હતો ત્યારે તે જીતી જતો હતો. પરંતુ જેમ જ તેમણે મોટી રકમનું રોકાણ કર્યું, તેની હાર નિશ્ચિત થઈ જતી હતી.