વન-ડે વર્લ્ડકપમાંથી પાંચ ટીમોનું પત્તું કપાવું નિશ્ર્ચિત: વિન્ડિઝ-ઝીમ્બાબ્વે-લંકા ક્વોલિફાય થશે

નવીદિલ્હી, વન-ડે વર્લ્ડકપની શરૂઆત ઑક્ટોબર મહિનામાં થવાની છે. આઈસીસીએ તેનું સંપૂર્ણ શેડ્યુલ તો જાહેર નથી કર્યું પરંતુ તેના તમામ મુકાબલા ભારતમાં જ રમાશે. વિશ્ર્વ કપ માટે ક્વોલિફાયર મુકાબલા રમાઈ રહ્યા છે જેમાં અમુક ટીમો ક્વોલિફાય થવાની અણીએ પહોંચી ગઈ છે તો અમુક બહાર થવાની તૈયારીમાં છે.સૌથી પહેલાં ગ્રુપ ’એ’ની વાત કરવામાં આવે તો તેમાં ઝીમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝે પોતાના બે મેચમાં બે જીત મેળવી લીધી છે અને બન્ને મજબૂત સ્થિતિમાં છે.પોઈન્ટ ટેબલમાં પહેલાં સ્થાને વેસ્ટ ઈન્ડિઝ છે જ્યારે નેપાળની ટીમે અત્યાર સુધી ત્રણ મેચમાં એક જીત મેળવી છે.

અમેરિકા પોતાની ત્રણેય મેચ હારી ચૂક્યું છે જ્યારે નેધરલેન્ડની ટીમ બેમાંથી એક મેચ ગુમાવી ચૂકી છે. તેની નેટ રનરેટ પણ સારી નથી આવામાં આ ત્રણ ટીમોનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નિશ્ર્ચિત છે.

ગ્રુપ ’બી’ની વાત કરવામાં આવે તો ઓમાનની ટીમ બે મેચ રમી ચૂકી છે જે બન્નેમાં તેણે જીત મેળવી છે. શ્રીલંકા એક મેચમાં એક જીત સાથે બીજા ક્રમે છે. સ્કોટલેન્ડે પણ હજુ એક મેચમાં એક જીત મેળવી છે. આયર્લેન્ડ અને યુએઈએ બે-બે મેચ રમી છે પરંતુ હજુ સુધી જીતનું ખાતું ખુલ્યું નથી. બન્નેટીમોની નેટ રનરેટ પણ અત્યંત ખરાબ છે. વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું આ બન્ને માટે અત્યંત મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વિશ્ર્વ વિજેતા ટીમ છે પરંતુ આ વખતે તેણે ક્વોલિફાયર રમવું પડી રહ્યું છે. ટી-૨૦ વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાય કરી શકી ન્હોતી. આ વખતે બન્ને ટીમો પાસે ઉમદા તક છે. બીજી બાજુ ભારત, ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાંથી જ વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે.