મુંબઇ, હાલ ભારતમાં વિશ્ર્વકપ ૨૦૨૩ રમાઈ રહી છે. ક્રિકેટનો આ મહાકુંભ તેની ચરમસીમાએ છે. બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યા છે અને મોટાભાગની મેચમાં સદી પણ ફટકારી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમબા કેપ્ટન રોહિત શર્માનું નામ છગ્ગા ફટકારવામાં ટોપ પર છે.રોહિતે અત્યાર સુધી ૨૦ છગ્ગા ફટકાર્યા છે. આ સાથે જ તે વિશ્ર્વકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.
રોહિત વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધી કુલ ૫૬ છગ્ગા ફટકાર્યા છે. જેમાં વનડે વિશ્ર્વકપ ૨૦૨૩માં ફટકારેલા ૨૦ છગ્ગા પણ સામેલ છે. વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની લીસ્ટમાં રોહિત ટોપ પર છે. રોહિત શર્માએ વર્ષ ૨૦૧૭માં પણ ૪૬ છગ્ગા ફટકાર્યા હતા અને રનના મામલે તે ટોપ સ્કોરર હતો. વર્ષ ૨૦૧૭માં રોહિતે ૧૨૯૩ રન બનાવ્યા હતા. વર્ષ ૨૦૨૩માં રોહિતે અત્યાર સુધી ૧૦૫૬ રન બનાવ્યા છે. આ વર્ષે તે સૌથી વધુ રન બનવાનાર દુનિયાનો ત્રીજો બેટ્સમેન છે. આ લીસ્ટમાં શુભમન ગિલ ૧૩૩૪ રન સાથે ટોપ પર છે.
વર્ષ ૨૦૨૩માં યુએઈના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ વસીમ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી ૪૭ છગ્ગા ફટકાર્યા છે. સાઉથ આફ્રિકાનો બેટ્સમેન હેનરી ક્લાસેન ૪૧ છગ્ગા સાથે આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. એબી ડી વિલિયર્સે વર્ષ ૨૦૧૫માં વનડે ક્રિકેટમાં ૫૮ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત ડી વિલિયર્સના આ રેકોર્ડને તોડવાની ખુબ જ નજીક છે. આ ઉપરાંત રોહિત વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની બરોબરી કરી લીધી છે. ગેલે વર્ષ ૨૦૧૯માં ૫૬ છગ્ગા માર્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ વર્ષ ૨૦૦૨માં સૌથી વધુ ૪૮ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ આફ્રિદીના આ રેકોર્ડને તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકટટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટ્સને વર્ષ ૨૦૧૧માં ૪૨ છગ્ગા ફટકાર્યા હતા. તેને ૨૦૧૧માં સૌથી વધુ ૧૧૩૯ રન પણ બનાવ્યા હતા.