જમ્મુ-કાશ્મીરને 10 વર્ષ બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે. નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના CM પદના શપથ લીધા હતા. આ સાથે ઓમર અબ્દુલ્લા કેન્દ્રશાસિત જમ્મુ- કાશ્મીરના પ્રથમ સીએમ બન્યા છે. આ સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોજાયો હતો.
આ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ, આપ નેતા સંજય સિંહ સહિત 6 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે સરકારમાં સામેલ નહીં થાય, તેનો એકપણ ધારાસભ્ય મંત્રી નહીં બને. કોંગ્રેસે કહ્યું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.રાજ્યપાલ મનોજ સિંહાએ ડેપ્યુટી સીએમ સુરેન્દર ચૌધરી, મંત્રી સકીના, જાવેદ રાણા, જાવેદ ડાર, સતીશ શર્માને પણ શપથગ્રહણ કરાવ્યા હતા.
- ડેપ્યુટી સીએમ સુરેન્દર ચૌધરી: નૌશેરાથી ધારાસભ્ય છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને 7819 મતથી હરાવ્યા હતા.
- મંત્રી સકીના ઇટ્ટુ: ડીએસ પોરાના ધારાસભ્ય, 1996માં જમ્મુ અને કાશ્મીરના સૌથી યુવા ધારાસભ્ય બન્યા. ત્યારે તેમની ઉંમર 26 વર્ષની હતી. 2008માં જમ્મુ-કાશ્મીરમાંથી એકમાત્ર મહિલા મંત્રી હતા.
- મંત્રી જાવેદ રાણા: મેંઢરના ધારાસભ્ય. 2002 અને 2014માં આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમને પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.
- મંત્રી જાવેદ અહેમદ ડારઃ રફિયાબાદથી ચૂંટણી જીત્યા. પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે.
- મંત્રી સતીશ શર્માઃ તેઓ છમ્બ સીટથી અપક્ષ ધારાસભ્ય છે. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું છે.
- કોંગ્રેસ સરકારમાં સામેલ નહીં: કોંગ્રેસે સરકારમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. તેમનો એકપણ ધારાસભ્ય મંત્રી નહીં બને. જો કે કોંગ્રેસ ઓમર સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે. કોંગ્રેસે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું.
શપથ ગ્રહણ સમારોહમાં 50થી વધુ VIPઓએ હાજરી આપી હતી. I.N.D.I.A.બ્લોકના ઘણા મોટા નેતાઓ હાજર છે. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ અને અરવિંદ કેજરીવાલ સહિત લગભગ 50 વીઆઈપીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જો કે કેજરીવાલ પહોંચ્યા ન હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શ્રીનગર પહોંચી ગયા છે. બંને નેતાઓ જમ્મુ-કાશ્મીરની નવી ઓમર અબ્દુલ્લા સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ઓમર અબ્દુલ્લા કહ્યું કે હું અહીં (હઝરતબલ) મારા દાદા અને દાદીની કબર પર ફૂલ ચઢાવવા આવ્યો છું. મેં શાંતિથી પ્રાર્થના કરી કે અલ્લાહ જમ્મુ-કાશ્મીરના લોકોની આશાઓ પૂર્ણ કરે. રાજ્યના લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે. લોકોની અપેક્ષાઓ વધુ છે, તેથી પડકારો પણ વધુ છે.