
ઓમાનના તટ પર ડૂબેલા કોમોરોસ ધ્વજવાળા ઓઈલ ટેક્ધરના ૧૬ ક્રુ સભ્યો હજુ પણ ગૂમ છે. દેશના સમુદ્રી સુરક્ષા સેન્ટરે ડૂબવાની સૂચનાના એક દિવસ બાદ આ જાણકારી આપી. આ ઓઈલ ટેક્ધર યમનના એડન પોર્ટ પર જઈ રહ્યું હતું. ઓમાની સેન્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રેસ્ટીજ ફાલ્કનના ક્રુ સભ્યોમાં ૧૩ ભારતીય નાગરિકો અને ૩ શ્રીલંકન સામેલ છે.
સુત્રોના જણાવ્યાં મુજબ જહાજ હજુ પણ પાણીમાં ડૂબેલું છે અને ઊંધુ પડ્યું છે. જો કે તેમણે એ કન્ફર્મ કર્યું નથી કે જહાજ સ્થિર થઈ ગયું કે નહીં કે ઓઈલ કે ઓઈલની પ્રોડક્ટ સમુદ્રમાં લીક થઈ રહી છે કે નહીં.
એલએસઇજીના શિપિંગ ડેટાથી ખબર પડી કે ટેક્ધર યમનના એડન પોર્ટ તરફ જઈ રહ્યું હતું અને ઓમાનના પ્રમુખ ઔદ્યોગિક બંદર દુકમ પાસે પલટી ગયું. શિપિંગ ડેટાથી જાણવા મળ્યું કે આ જહાજ ૨૦૦૭માં બનેલું ૧૧૭ મીટર લાંબુ ઓઈલ પ્રોડક્ટ ટેક્ધર છે. આવા નાના ટેક્ધરોનો ઉપયોગ સામાન્ય રીતે નાની દરિયાઈ મુસાફરીઓ માટે થાય છે. ઓમાનની સરકારી સમાચાર એજન્સીએ સોમવારે મોડી રાતે જણાવ્યું કે ઓમાની અધિકારીઓએ સમુદ્રી અધિકારીઓ સાથે ઘટનાસ્થળે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું.
દુકમ બંદર એ ઓમાનના દક્ષિણ-પશ્ર્ચિમ તટ પર આવેલું છે. તે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગેસ ખનન પ્રોજેક્ટ્સની નજીક છે જેમાં એક મુખ્ય ઓઈલ રિફાઈનરી પણ સામેલ છે. તે દુકમના વિશાળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ભાગ છે જે ઓમાનનો સૌથી મોટો સિંગલ ઈકોનોમિક પ્રોજેક્ટ છે.