ઓમાનના દરિયામાં ગુજરાતના માલવાહક જહાજમાં લાગી આગ, ૧૨થી ૧૩ લોકોને બચાવવામાં આવ્યા

દ્વારકા, ઓમાન પાસે અલી મદદ નામના જે માલવાહક જહાજમાં આગ લાગી છે તે દ્વારકાના સિદ્દીક સંઘરનું હતું. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જહાજમાં આગ જોવા મળી રહી છે. આ દરમિયાન એક બીજુ જહાજ પણ તેની પાસે ઉભેલુ જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, દૂર્ઘટના સમયે જહાજમાં ચાલક દળના ૧૨થી ૧૩ લોકો સવાર હતા. આ તમામને બચાવી લેવામાં આવ્યા છે. ચાલક દળના તમામ સભ્ય અન્ય એક જહાજની મદદ માંગવામાં સફળ રહ્યાં હતા, જેના પહોંચતા જ તમામ એક એક કરીને બીજા જહાજમાં આવી ગયા હતા. આગ લાગતા જ જહાજમાં ઘણુ નુક્સાન થયું છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી.

આ પહેલા પણ દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના ’અલ ખીજર’ નામના માલવાહક જહાજમાં ઓમાનના દરિયામાં આગ લાગી હતી અને તે પછી જળસમાધિ લીધી હતી. ૧૨૦૦ ટન કેપિસિટીનું ’અલ ખીજર’ નામનું જહાજ ઓમાન જઇ રહ્યું હતું ત્યારે મસ્ક્ત નજીક દરિયામાં અચાનક આગ લાગતા જહાજમાં સવાર ૨૨ ખલાસીઓને અન્ય જહાજના ખલાસીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.