ઓખા પોર્ટમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ તોડી પાડ્યું:બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશન જારી, 15 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ

બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલેશન અભિયાનનો આજે ત્રીજો દિવસ છે. સત્તાવાળાઓએ આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 36,400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે. જેને ત્રણ નોટિસ આપવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા ડિમોલેશન આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા હતા. બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પોલીસ કાફલો પણ તંત્રની સાથે રહ્યો હતો.

બીજા દિવસે 111 બાંધકામ તોડી, 24,400 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં કુલ 450 જેટલા આસામીને નોટિસો આપવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 111 બાંધકામ તોડી 24,400 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેમાં રેવન્યૂ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેની અંદાજે કિંમત 13.12 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડિમોલિશનની કામગીરી શનિવારે સવારથી શરૂ કરવામાં આવી હતી.

ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની હાજરીમાં એક SP, ત્રણ DySpના માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને SRPના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જે હજુ પણ યથાવત્ છે.

બેટ દ્વારકા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ડિમોલિશનનો ધમધમાટ દ્વારકા પંથકમાં શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના 30 જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

રવિવારે વધુ 30 જેટલાં દબાણ ધ્વસ્ત થયાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનઅધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રએ લાલ આંખ કરી અને આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના અંતે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તથા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે અંગેની પૂરી તકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.