ઓફિસમાં ઓવર ટાઈમથી કંટાળી યુવતી, કંપની વિરુદ્ધ કર્યો કેસ, વળતરમાં મોટી રકમ મળી

બીજીંગ,વિશ્ર્વના મોટાભાગના દેશોમાં ઓવર ટાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા લોકો તેની સામે અવાજ પણ ઉઠાવે છે, જ્યારે ઘણા પોતાની નોકરી ગુમાવવાના ડરથી શાંત રહે છે. પરંતુ ચીનની એક મહિલાએ આની સામે અવાજ ઉઠાવ્યો અને કંપની સામે કેસ કર્યો હતો. ત્યાર બાદ કંપની તરફથી તેને વળતર આપવામાં આવ્યું હતું.

ચીનની આ મહિલા એક આઇટી કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેને ઓફિસ સમયની બહાર પણ મેસેજના જવાબ આપવા પડતા હતા. જેના કારણે તેના અંગત જીવનમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ચીનની સ્થાનિક અદાલતે ચુકાદો આપ્યો હતો કે આઇટી કંપની મહિલાને નુક્સાન માટે ૩૦,૦૦૦ યુઆન (લગભગ ૩.૫૫ લાખ રૂપિયા) ચૂકવશે.

મહિલાએ દાવો કર્યો હતો કે તેણે એક વર્ષમાં ૨,૦૦૦ કલાકથી વધુ કામ કર્યું છે. આમાંનો મોટાભાગનો સમય મેસેજનો જવાબ આપવામાં પસાર થતો હતો. લી નામની મહિલાના પક્ષમાં કોર્ટના નિર્ણયને ચીનના મજૂર વર્ગ માટે મોટી જીત માનવામાં આવી રહી છે. ચીનમાં શ્રમ કાયદાઓ ખરાબ રીતે લાગુ કરવામાં આવે છે અને કામદારોનું વારંવાર શોષણ થાય છે. હવે આ નિર્ણયને ચીનની બાકી કંપનીઓ માટે બોધપાઠ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જેઓ કર્મચારીઓને મેસેજિંગ એપ પર ૨૪ કલાક હાજર રહેવા દબાણ કરે છે.