
લોક્સભા ચૂંટણીના પરિણામોની સાથે ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. નવીન પટનાયકના નેતૃત્વમાં બીજુ જનતા દળ (બીજેડી)ને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેડીની હાર બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ રઘુવર દાસને સુપરત કર્યું હતું. આ સાથે ઓડિશામાં બીજેડીના ૨૪ વર્ષના શાસનનો પણ અંત આવ્યો. હવે રાજ્યમાં ભાજપની સરકાર બનશે.
ઓડિશા વિધાનસભાની ૧૪૭ બેઠકોમાંથી બીજેડીએ માત્ર ૫૧ બેઠકો જીતી છે. જ્યારે ભાજપે ૭૮ બેઠકો જીતી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ૧૪ બેઠકો, અપક્ષોએ ત્રણ અને સીપીએમએ એક બેઠક જીતી હતી. આ સિવાય ઓડિશામાં ૨૧ લોક્સભા સીટોમાંથી ભાજપે ૨૦ અને કોંગ્રેસે એક સીટ જીતી છે. બીજેડી ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.મંગળવારે જાહેર થયેલા ટ્રેન્ડ્સ પછી,બીજેડી નેતા નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર બીજેડી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.
તમને જણાવી દઈએ કે નવીન પટનાયક વર્ષ ૨૦૦૦માં પહેલીવાર ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી, તેઓ સતત ૨૪ વર્ષ સુધી ઓડિશાના સીએમ તરીકે સેવા આપતા રહ્યા. સિક્કિમના પવન કુમાર ચામલિંગ પછી નવીન પટનાયક બીજા એવા મુખ્યમંત્રી છે જે ૨૪ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ બીજેડીના અધ્યક્ષ અને કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.