ભુવનેશ્ર્વર, ડીઆરડીઓએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.ડીઆરડીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર હાઈ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને અથડાવીને સવારે ૧૦:૩૦ વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન શ પ્રણાલી દ્વારા લક્ષ્યને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યું અને તેનો નાશ કરવામાં આવ્યો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકાશ મિસાઈલના સફળ ફ્લાઇટ પરીક્ષણ માટે ડીઆરડીઓ ભારતીય વાયુસેના,પીએસયુ અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આકાશ મિસાઇલ સિસ્ટમનો સફળ વિકાસ દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ વધારશે.
નોંધનિય છે કે, અગાઉ ૨૦૨૧માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ સેન્ટર પરથી નવી પેઢીના આકાશ મિસાઈલ (આકાશ-પ્રાઈમ)નું સફળ પરીક્ષણ કર્યું હતું.ડીઆરડીઓએ હાઇ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને નિશાન બનાવીને આ પરીક્ષણ કર્યું હતું, જેને મિસાઈલ દ્વારા સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો.