બાલાસોર : એનડીઆરએફના જવાને સૌથી પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સમાચાર તેમના કંટ્રોલ રૂમને મોકલ્યા. આ જવાન કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર હતો અને રજા પર ઘરે જઈ રહ્યો હતો. તેણે સ્થળનું લાઈવ લોકેશન કંટ્રોલ રૂમને મોકલ્યું. એનડીઆરએફ જવાન દ્વારા મોકલવામાં આવેલા વોટ્સએપ લાઈવ લોકેશનના કારણે પ્રથમ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એનડીઆરએફ જવાન વેંકટેશ (૩૯) કોરોમંડલ એક્સપ્રેસથી રજા પર ઘરે જઈ રહ્યો હતો. જ્યાં સુધી રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યાં સુધી તે મોબાઈલ ટોર્ચની મદદથી ઘાયલોને બહાર કાઢતો રહ્યો. ૨ જૂને સાંજે ૭ વાગ્યે બાલાસોર પાસે ૩ ટ્રેનો અથડાઈ હતી. આ અકસ્માતમાં ૨૮૮ લોકોનાં મોત થયા હતા અને ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બાલાસોરમાં એક બિઝનેસ પાર્કમાં એક અસ્થાયી શબઘર બનાવવામાં આવ્યું છે, જ્યાં શનિવારે ઘણા લોકો ફોટોગ્રાસ દ્વારા મૃતદેહોની ઓળખ કરવા પહોંચ્યા હતા ૧૦૦ મૃતદેહોને ઓળખવા માટે રવિવાર સુધી કોઈ પહોંચી શક્યું ન હતું, ત્યારબાદ આ મૃતદેહોને ભુવનેશ્ર્વર મોકલવામાં આવ્યા હતા.
વેંકટેશ ૨૦૨૧માં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાંથી એનડીઆરએફમાં જોડાયા છે. વેંકટેશ કોલકાતામાં NDRFની ૨જી બટાલિયનમાં કોન્સ્ટેબલ છે. તે શુક્રવારે બંગાળના હાવડાથી તમિલનાડુ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. અકસ્માત સમયે તેનો કોચ બી-૭ પાટા પરથી ઉતરી ગયો હતો, પરંતુ આગળના કોચ સાથે ટકરાયો ન હતો. જેના કારણે તે બચી ગયો હતો.
વેંકટેશે કહ્યું, અકસ્માત થતાં જ મને જોરદાર આંચકો લાગ્યો અને પછી મેં કેટલાંક મુસાફરોને મારા કોચમાં પડતા જોયા. મેં પહેલા મુસાફરને બહાર કાઢ્યા અને તેમને રેલવે ટ્રેક પાસેની એક દુકાનમાં બેસાડ્યા. પછી હું અન્ય લોકોને મદદ કરવા ગયો. મેં અકસ્માતના કેટલાંક ફોટા અને લાઈવ લોકેશન કોલકાતા ઓફિસને મોકલ્યા હતા, ત્યારબાદ ઓડિશાના સ્થાનિક વહીવટીતંત્રને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ત્યાં મેડિકલ શોપના માલિક સહિત સ્થાનિક લોકો જ સાચા તારણહાર હતા કારણ કે તેઓએ પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરી હતી. અકસ્માત પછી અંધારું હતું, અને ઘાયલ અને ફસાયેલા મુસાફરોને શોધવા માટે તેમના મોબાઇલ ફોનની લાઇટનો ઉપયોગ કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ પણ તેમના મોબાઈલ ફોન અને ટોર્ચનો ઉપયોગ કરીને મુસાફરોને બચાવ ટીમ આવી ત્યાં સુધી મદદ કરી હતી.
દિલ્હીમાં એનડીઆરએફના ડીઆઈજી મોહસેન શાહિદીએ જણાવ્યું હતું કે, એનડીઆરએફના જવાનો યુનિફોર્મમાં હોય કે ન હોય, હંમેશા ફરજ પર હોય છે. શુક્રવારના અકસ્માત બાદ પ્રથમ એનડીઆરએફ અને ઓડિશા રાજ્યની બચાવ ટીમને સ્થળ પર પહોંચવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સમય સુધીમાં એનડીઆરએફના જવાનોએ ઘાયલોના જીવ બચાવવા માટે જે કંઈ કરી શકાય તે કર્યું હતું.