- નિર્ણય સામે જમીન માલિકો દ્વારા હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યુ.
વિરપુર,પંચમહાલના પોતાના કાર્યકાળ દરમિયાન ભારે વિવાદાસ્પદ રહેલા તત્કાલિન નાયબ કલેકટરે જમીન મહેસુલ કાયદા હેઠળ કરેલા નિર્ણયોથી નારાજ થઈને અનેક ખાતેદારોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તાજેતરમાં જ હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન જિલ્લામાં ફરજ બજાવી ગયેલા આ તત્કાલિન નાયબ કલેકટરે લીધેલા ખોટા નિર્ણય બદલ આવા અધિકારીઓને શિક્ષિત કરો તેવી ટકોર કરી હતી.
પંચમહાલ જિલ્લાના તત્કાલિન નાયબ કલેકટરે કાલોલ તાલુકાના જમીન સંબંધિ વિવાદમાં જમીન મહેસુલ કાયદા હેઠળ કરેલા વધુ એક નિર્ણયને જમીન માલિકો દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે જે કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તત્કાલિન નાયબ કલેકટરના ખોટા નિર્ણયોની ગંભીર નોંધ લઈ સરકારને ટકોર કરતા જણાવ્યુ હતુ કે,આ અધિકારી દ્વારા જમીન મહેસુલ કાયદા અંતર્ગત લેવાયેલા ખોટા નિર્ણયો પૈકી પાંચથી છ નિર્ણયોને પડકારતી પીટીશન અત્રેની કોર્ટમાં દાખલ થઈ છે. આ અધિકારીએ જમીન મહેસુલ કાયદા અન્વયે પોતે કરેલા હુકમો અને સુધારા હુકમો જાતે જ સત્તાની ઉપરવટ જઈ હુકમ રદ્દ કર્યા છે.અને સેટ એ સાઈડના હુકમ કર્યા છે. જે પ્રકરણ મામલતદારને નવેસરથી નિર્ણય અર્થે રિમાન્ડ કર્યા છે. હાઈકોર્ટે આકરુ વલણ અપનાવતા કહ્યુ હતુ કે,એકાદ ખોટો નિર્ણય ભુલથી થયો હોય તેમ માની શકાય, પરંતુ આ અધિકારી દ્વારા જમીન મહેસુલના કેસોમાં કરાયેલ ખોટા નિર્ણયોની ક્રમબદ્ધ ભુલોની ભરમાર છે. જેની ગંભીર નોંધ લઈએ છીએ તેવી ગંભીર ટકોર કરી હતી. સાથે સરકારને કહ્યુ હતુ કે, આ પ્રકારના અધિકારીને શિક્ષિત કરો, અન્યથા અમારે તેમની વિરુદ્ધ હુકમ કરવા પડશે. થોડા સમય પુર્વે આ તત્કાલિન નાયબ કલેકટરના જમીન મહેસુલી કાયદા અન્વયે કરેલા હુકમ સંદર્ભે એજયુકેશન સોસાયટી દ્વારા કરાયેલ પીટીશનની સુનાવણી દરમિયાન વર્ષ-1953ની નોંધના કાગળો કચેરીમાંથી ગુમ થવાના પ્રકરણમાં પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જિલ્લા કલેકટરે નાયબ કલેકટર કચેરીના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.