ન્યાયમાં વિલંબ

ન્યાયમાં વિલંબ

ભારતમાં સસ્તો, સુલભ અને ત્વરિત ન્યાય આઝાદીનાં ૭૭ વર્ષ બાદ પણ યક્ષ પ્રશ્ર્ન છે. ભારત જેટલું મોટું લોક્તંત્ર છે, જેટલું મોટું બંધારણીય રાષ્ટ્ર છે, ભારતમાં જેટલી મોટી જનસંખ્યા છે, તેને અનુરૂપ સરકારે દેશમાં ન્યાયિક માળખું ઊભું નથી કર્યું. એ જ કારણ છે કે આજે ભારતીય અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, કેસ ત્રણ વર્ષથી વીસ વર્ષ સુધી સુનાવણીની રાહ જુએ છે. ગરીબો માટે ન્યાય તો દીવાસ્વપ્ન સમાન છે.

દેશમાં પોલીસ તંત્ર અને તપાસ પ્રણાલી એટલી પેચીદી છે કે કરોડો લોકોના કેસો સુનાવણી સુધી પહોંચી જ નથી શક્તા. આજ કારણ છે કે ભારતીય જેલોમાં વિચારાધીન કેદીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. પોલીસ તંત્રનું કામકાજની પદ્ઘતિ એવી છે, જેમાં ક્યારેક દબાણમાં, ક્યારેક કોઈ પોલીસ કર્મીના અંગત સ્વાર્થમાં, ક્યારેક તપાસમાં પૂર્વધારણાને કારણે તો ક્યારેક પોલીસકર્મીની ભૂલને કારણે લાખો નિર્દોષ આરોપી બનાવી દેવાય છે અને તેઓ વિચારાધીન કેદી બનીને વર્ષોવર્ષ જેલમાં સડતા રહે છે.

જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં જિલ્લા ન્યાયાલયોનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન થયું તો સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવા માટે અદાલતોમાં ‘સ્ટે સંસ્કૃતિ’ને બદલવાનો પ્રયાસ કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિે દેશની અદાલતોમાં તારીખ પર તારીખની સંસ્કૃતિમાં બદલાવનું આહ્વાન કરે છે. પેન્ડિંગ કેસ ભારતીય અદાલતોની કમજોર કડી છે.

સૌથી ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યસંસ્કૃતિ જિલ્લા અદાલતોમાં જ છે. કેસની વકીલાત કરનારા વકીલોની કારકિર્દી સૌથી વધુ અસુરિક્ષત છે, જેમાં સરકારનું ન્યૂનતમ રોકામ પણ નથી. જિલ્લા અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ)ની ભારે અછત છે, કેસની સુનાવણી માટે વકીલોને ફીનું કોઈ સુનિશ્ચિત તંત્ર નથી, જેનું જે મન ફાવે તેવી ફી વસૂલે છે. કેસની તપાસ માટે ન્યાયાલય પોલીસ તંત્ર પર નિર્ભર છે, જ્યારે પોલીસની તપાસ પ્રણાલી અકુશળ છે. આ બધાની અસર ન્યાય વ્યવસ્થા પર પડે છે અને તારીખ દર તારીખની સંસ્કૃતિ જન્મ લે છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટથી પણ ન્યાયમાં ઝડપ લાવવાની વાત બની નથી શકી. વડાપ્રધાન મોદીએ જિલ્લા અદાલતોના રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટનમાં કહ્યું કે દસ વર્ષમાં તેમની એનડીએ સરકારે ન્યાય ક્ષેત્રના બુનિયાદી માળખાના વિકાસમાં આઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લા ૨૫ વર્ષમાં જેટલી રકમ જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવી, તેના ૭૫ ટકા પાછલા ૧૦ વર્ષોમાં જ ખર્ચાઈ છે!

વડાપ્રધાને એમ પણ કહ્યું કે ન્યાયમાં વિલંબને ખતમ કરવા માટે છેલ્લા એક દાયકામાં કેટલાય સ્તરે કામ થયું છે. તેમ છતાં ભારતીય જિલ્લા અદાલતોથી માંડીને ઉચ્ચ ન્યાયાલયો સુદ્ઘાંમાં વકીલો, સરકારી વકીલો, સહાયકો, જજો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરોની ભારે અછત છે. પોલીસ તપાસથી માંડીને અદાલતોમાં ન્યાયની પ્રક્રિયા સુદ્ઘાંમાં ભારે વિસંગતિઓ છે, ખર્ચાળ છે.

આ રાષ્ટ્રીય સંમેલન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં થયું છે, જેમાં સેંકડો પ્રબુદ્ઘ કાયદાવિદ્દોએ ન્યાય પ્રણાલીમાં સુધાર અને વિકાસ પર ચર્ચા કરી. આવા સંમેલનોની સાર્થક્તા ત્યારે જ છે જ્યારે બંધારણની આકાંક્ષાઓને અનુરૂપ દેશના અંતિમ હરોળમાં ઊભેલા લોકોને ત્વરિત ન્યાય મળી શકે. માત્ર મોટી વાતો અને જાહેરાતોથી ન્યાય વ્યવસ્થાની હાલત નથી બદલાવાની. ઝડપથી ચુકાદા ત્યારે જ આવશે જ્યારે ન્યાય તંત્રનું આખું માળખું દુરસ્ત થશે.