ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડમાંથી પણ ચિંતાજનક સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું છે. તેની ટીમના એક સભ્યએ તેને શેર કરીને તેની પુષ્ટિ કરી છે
મીડિયા સાથે શેર કરેલા નિવેદનમાં તેની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. તેમની ટીમ દ્વારા આપવામાં આવેલા સંદેશ અનુસાર આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ છેલ્લી વખત તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તે ભોંયરામાં હતી અને સુરક્ષિત હતી. સુરક્ષાના કારણોસર વધુ વિગતો જાહેર કરી શકાતી નથી. જોકે ત્યારપછી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ટીમે કહ્યું કે, અમે સંપર્ક કરી શકતા નથી. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પાછી આવે.
નોંધનીય છે કે, ગત ઓગસ્ટમાં જ અભિનેત્રી નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ રીલિઝ થઈ હતી. ફિલ્મની વાર્તા એવી છે કે એક છોકરી કોઈ કારણસર ઈરાકના ગૃહ યુદ્ધમાં ફસાઈ જાય છે. આ ફિલ્મ યુદ્ધની વચ્ચે ફસાયેલી એકલી છોકરીના ઘરે પરત ફરવાના સંઘર્ષની વાર્તા છે. નુસરતે ટ્રેલરનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, અકેલી – જીવન બચાવવા માટે એક સાદી છોકરીની લડાઈ. નુસરત ભરૂચાની ફિલ્મ એક ભારતીય છોકરી વિશે છે જે યુદ્ધગ્રસ્ત ઇરાકમાં એકલી ફસાયેલી છે અને તે કેવી રીતે તમામ અવરોધો સામે ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
શનિવારે પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, હમાસે દાવો કર્યો છે કે, તેણે ઘણા ઇઝરાયેલ સૈનિકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલના ઘણા નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઇઝરાયેલના વળતા હુમલામાં 198 લોકોના મોત અને આશરે 1,500 ઘાયલ થયા હતા. હમાસે સંપૂર્ણ આયોજન સાથે ઈઝરાયલને નિશાન બનાવ્યું હતું, જેના માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહ્યું હતું.