નૂહમાં તંગદિલી, ઈન્ટરનેટ બંધ કરાયુ, કલમ ૧૪૪ લગાવાઈ, આદેશ જાહેર

નૂહમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાદ કલમ 144 લગાવી દેવામાં આવી છે તેમજ મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવાની અપીલ કરી છે. આ અંગે ડેપ્યુટી કમિશનરે એક આદેશ જાહેર કર્યો છે.

હરિયાણાના નૂહમાં ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરાતા ફરી એકવાર ટેંશન વધી ગયું છે. પ્રશાસને સતર્કતા માટે આવતીકાલ સુધી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે તો બીજી તરફ 144મી કલમ લગાડવામાં આવી છે. આ સિવાય મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવાની પણ અપીલ કરવામાં આવી છે. નૂહ હિંસામાં લાગેલા આરોપને કારણે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની રાજસ્થનના અજમેરથી ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ધારાસભ્યને નૂહ પોલીસ સામે બે વાર તપાસમાં સામેલ થવાનું કહેવાયુ હતું પણ તે જોડાયા ન હતા. હવે તેની ધરપકડ થતા આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેના પગલે નૂહ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નૂહમાં 31મી જૂલાઈએ શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જેમાં 6 લોકોના મોત થઈ હતી જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસાને કાબૂમાં કરવા માટે કેટલાય દિવસો સુધી ઈન્ટરનેંટ બંધ રાખવામાં આવ્યુ હતું તેમજ શહેરમાં કલમ 144 લગાડવામાં આવી હતી. આવી ઘટના ફરીવાર ન બને તે માટે પ્રશાસને લોકોને અફવા પર ધ્યાન ન દેવા અપીલ કરી છે તેમજ સોશ્યલ મીડિયા પર પણ નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નૂહ હિંસા મામલે તથા નાસીર તથા જૂનૈદની હત્યા કરવા મામલે ગૌરક્ષક મોનુ માનેસરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના પર નૂહમાં હિંસા ભડકાવવાનો પણ આરોપ છે.