નૂહમાં બુલડોઝર એક્શન પર હાઇકોર્ટે રોક લગાવી: નૂહમાં ગેરકાયદેસર નિર્માણ પર વહીવટી તંત્રની કાર્યવાહી સતત ચાલી રહી છે.

  • નૂહમાં અત્યાર સુધીમાં ૩૭ સ્થળોએ ૫૭.૫ એકર જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.

ચંડીગઢ, હરિયાણાના નૂહ, મેવાતમાં થયેલ હિંસા મામલે ચાલી રહેલા બુલડોઝર એક્શન પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. હરિયાણા સરકાર દ્વારા નૂહમાં કરવામાં આવી રહેલ બુલડોઝર એક્શન પર પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સ્વત: સંજ્ઞાન લઈને આ આદેશ આપ્યો છે. નૂહમાં અત્યાર સુધીમાં ૩૭ સ્થળોએ ૫૭.૫ એકર જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. નૂહમાં અત્યાર સુધીમાં ૧૬૨ કાયમી અને ૫૯૧ હંગામી બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, નૂહના પુન્હાના, પિંગણવા, નગીના, ટૌરુ અને ફિરોઝપુર ઝિરકામાં વહીવટી તંત્રની જુદી જુદી ટીમોએ અર્ધલશ્કરી દળો અને પોલીસની સાથે દબાણ હટાવ્યું હતું.

આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અહી કેટલાય ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા અને તે હોટેલોને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી જ્યાંથી તોફાની તત્વો પથ્થરમારો કરી રહ્યા હતા. હરિયાણા પોલીસ એવી તમામ ઇમારતોની ઓળખ કરી રહી છે જ્યાંથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. પોલીસના અધિકારીઓનુ કહેવું છે કે આવી તમામ ઇમારતો સામે પગલાં લેવામાં આવશે.

પોલીસ હિંસામાં સંડોવાયેલા આરોપીઓને શોધી રહી છે. અલગ-અલગ જગ્યાએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૬ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૪૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ૮ લોકોની પાડોશી રાજસ્થાનના ભરતપુર-અલવરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, હરિયાણાના નૂહમાં ૩૧ જુલાઈએ થયેલી હિંસા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારી એજન્સીઓએ બદમાશોની શોધખોળ શરૂ કરી દીધી છે. તેમની ગેરકાયદેસર મિલક્તો પણ તોડી પાડવામાં આવી રહી છે. આ સાથે તે સ્થળોની પણ ઓળખ કરવામાં આવી રહી છે જ્યાંથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. શનિવારે વહીવટી તંત્રએ હિંસા દરમિયાન જે હોટલ પરથી પથ્થરમારો કરવામાં આવતો હતો તેણે બુલડોઝર વડે હોટલને તોડી પાડી હતી. સમગ્ર હરિયાણામાં લગભગ ૧૦૪ FIR નોંધવામાં આવી છે. લગભગ ૨૧૬ ધરપકડ કરવામાં આવી છે અને ૮૩ લોકોની અટકાયત કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રે નલહાર મેડિકલ કોલેજની આસપાસની ૨.૬ એકર જમીન સહિત ૧૨ અલગ-અલગ સ્થળોએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવ્યું હતું. ડીએમએ કહ્યું, ગેરકાયદે બાંધકામ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે. આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. એસડીએમ અશ્ર્વિની કુમારે કહ્યું કે, આ ગેરકાયદે બાંધકામો હતા. તોડી પાડવામાં આવેલા બાંધકામના માલિકોને અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી. બ્રજ મંડળ ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી હિંસામાં કેટલાક ગેરકાયદે બાંધકામોના માલિકો પણ સામેલ હતા. અતિક્રમણ સામે ઝુંબેશ ચાલુ રહેશે.