
નડિયાદ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડીઆદ, જીલ્લો ખેડા હસ્તક ચાલતી એન.આર.એલ.એમ. (નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન) યોજના હેઠળ રચાયેલ સખી મંડળની બહેનોને બેન્ક લોન આપી પગભર કરવાની કામગીરી કરવામાં આવે છે. સરકારના ઉમદા હેતુને ધ્યાનમાં રાખી જીલ્લા કલેકટર કે.એલ.બચાણીઅને જીલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમજ નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડીઆદ અને જીલ્લા પુરવઠા અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમા સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના વેચાણ અર્થે તેમજ તેઓ દ્વારા બનાવેલ વસ્તુઓને માર્કેટ મળી રહે તે હેતુથી સખી મંડળ તેમજ એફ.પી.એસ (સસ્તા અનાજની દુકાન) ધારકોની મીટીંગ કરવામાં આવી અને બંને વચ્ચે ચીજવસ્તુઓના વેચાણ અર્થે એલ.ઓ.આઇ (લેટર ઓફ ઇન્ટેન્ટ) કરવામાં આવ્યો. હવેથી જીલ્લાની 11 સસ્તા અનાજની દુકાનો પર સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ ચીજ-વસ્તુઓનું વેચાણ થઇ શકશે તથા મંડળની બહેનો માટે રોજગારીની એક નવી તક ઉભી કરવામા આવશે.