
નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં અગાઉ ક્યારેય ન યોજાયા હોય તેટલા વિક્રમજનક ૩૫ લાખ લગ્નો યોજાશે અને તેમા કુલ ૪.૨૫ લાખ કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળઆ દરમિયાન ૩૨ લાખ લગ્નો થયા હતા અને ૩.૭૫ લાખ કરોડની રકમ ખર્ચાઈ હોવાનો અંદાજ છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે આ વર્ષે ૨૩ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બરની વચ્ચે દેશભરમાં લગભગ ૩૫ લાખ લગ્નો યોજાવવાની અપેક્ષા છે. લગ્ન સંબંધિત વસ્તુઓની ખરીદી પર આ સીઝનમાં ૪.૨૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન લગભગ ૩૨ લાખ લગ્નો થયા હતા અને તેમાં અંદાજે ૩.૭૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ આ સીઝનમાં ૩.૫ લાખથી વધુ લગ્નોમાંથી લગભગ ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે.
કેટના આધ્યાત્મિક અને વૈદિક જ્ઞાાન સમિતિના અધ્યક્ષ અને જાણીતા વૈદિક વિદ્વાન આચાર્ય દુર્ગેશ તારેના જણાવ્યા અનુસાર, નક્ષત્રોની ગણતરી પ્રમાણે નવેમ્બરમાં લગ્નની તારીખો ૨૩, ૨૪, ૨૭, ૨૮, ૨૯ છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં ૩, ૪, ૭, ૮, ૯ અને ૧૫ લગ્ન માટે શુભ દિવસો છે. તે પછી નક્ષત્ર મધ્ય જાન્યુઆરી સુધી એક મહિના માટે અસ્ત થાય છે અને ત્યારબાદ જાન્યુઆરીના મધ્યથી શુભ કાર્ય માટેના દિવસો શરૂ થશે. ખંડેલવાલે જણાવ્યું હતું કે આ લગ્ન સીઝનમાં લગભગ ૬ લાખ લગ્નોમાં લગ્ન દીઠ ૩ લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે, જ્યારે ૧૦ લાખ લગ્નોમાં એક લગ્ન દીઠ લગભગ ૬ લાખ રૂપિયાનો ખર્ચ થશે, ૧૨ લાખ લગ્નોમાં લગભગ લગ્ન દીઠ ૧૦ લાખનો ખર્ચ થશે. ૬ લાખ લગ્ન માટે ૨૫ લાખ રૂપિયા પ્રતિ લગ્ન ખર્ચ થશે. આ સિવાય ૫૦,૦૦૦ લગ્નમાં એક લગ્ન દીઠ ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે ૫૦,૦૦૦ લગ્નો એવા હશે જેમાં ૧ કરોડ કે તેથી વધુનો ખર્ચ થશે.
એકંદરે આ એક મહિનામાં લગ્નની સીઝન દરમિયાન બજારોમાં લગ્નની ખરીદીમાંથી આશરે રૂ. ૪.૨૫ લાખ કરોડનો ધંધો-વેપાર થશે. લગ્નની સીઝનનો આગામી તબક્કો જાન્યુઆરીના મધ્યથી શરૂ થશે અને જુલાઈ સુધી ચાલશે.
ભારતમાં હાલ તો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તહેવારી સીઝનની જમાવટ જામી છે પરંતુ સ્થાનિક રિટેલ માર્કેટમાં નવરાત્રિની શરૂઆત સાથે સીઝનની શરૂઆત થઈ છે અને આવતા મહિને શરૂ થનારી લગ્નની સીઝન સાથે ૨૦૨૩ના કેલેન્ડર વર્ષની વિદાય થશે. નવેમ્બર-ડિસેમ્બરમાં લાખો લગ્નો થવાની સંભાવના છે અને તેમાં લાખો કરોડોનો ધંધો થવાની આશા છે. સોના-ચાંદીના આભૂષણો, સાડીઓ, લહેંગા-ચુન્ની, ફનચર, તૈયાર વસ્ત્રો, કપડાં, પગરખાં, લગ્ન અને શુભેચ્છા કાર્ડ, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, પૂજા સામગ્રી, કરિયાણા, અનાજ, સુશોભનની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ અને લગ્ન દરમિયાનની ભેટો વગેરે વસ્તુઓની જૂજ માંગ રહેશે. આ સિવાય મેરેજ હોલ, બેન્ડ, ડીજે, ટેન્ટ વગેરે જેવા ધંધાર્થીઓને પણ ધંધો મળશે.