નોટિસ રાહુલને જ કેમ, પીએમ સામે કેમ પગલાં નહીં,જયરામ-દિગ્વિજય

નવીદિલ્હી, ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી હતી. જેમાં રાહુલ ગાંધીને નિવેદન આપતી વખતે વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણીપંચે વડાપ્રધાન અંગે કરેલી નિવેદનબાજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા બાદ કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી હતી.

ચૂંટણી પંચની આ એડવાઈઝરી બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું કે, તમે પીએમ વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી, ગૃહમંત્રી વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી. આ નિષ્પક્ષ સંસ્થા કોની સૂચના પર કામ કરી રહી છે? હિંમત બતાવવી જોઈએ અને મોદી અને અમિત શાહને પણ નોટિસ આપવી જોઈએ. તેમને પણ બોલવું જોઈએ. ફક્ત રાહુલ ગાંધીને જ કેમ નોટિસ આપી?

બીજી બાજુ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પણ ચૂંટણી પંચ પર પ્રહારો કરતાં કહ્યું કે આ તદ્દત ખોટું છે. ચૂંટણી પંચ પક્ષપાત કરે છે. જ્યારે મોદી કર્ણાટક ચૂંટણીમાં બજરંગ બલીના નામે ખુલ્લેઆમ વોટ માંગી રહ્યા હતા, પુલવામાના શહીદોના નામ પર વોટ માંગી રહ્યા હતા, ત્યારે ચૂંટણી પંચ શું કરી રહ્યું હતું? ભાજપના નિવેદનો પર ચૂંટણી પંચ મૌન ધારણ કરી લે છે.

જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ બંને નેતાઓએ પીએમ મોદીની કાશ્મીર મુલાકાત પર નિશાન સાયું. દિગ્વિજય સિંહે કહ્યું, શું મનમોહન સિંહ ક્યારેય ખીણમાં નહોતા જતા? પીએમ મોદી ઈવેન્ટ મેનેજર છે.. તે દરેક વસ્તુને ઈવેન્ટ બનાવે છે. જ્યારે જયરામ રમેશે કહ્યું કે, લોકોને ત્યાં ધમકાવીને બોલાવાઈ રહ્યા છે. લોકોને બળજબરીથી શ્રીનગર લાવવામાં આવી રહ્યા છે.. અમારો સવાલ એ છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? ત્યાં ચૂંટણી ક્યારે યોજાશે?