નવીદિલ્હી, લેન્ડ ફોર જોબ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે એક મોટી કાર્યવાહીમાં લાલુ પરિવારની ૬ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કથિત ’જમીનના બદલામાં નોકરી’ કૌભાંડની તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમે આ મામલે લાલુ પરિવારના કેટલાય સભ્યોની પૂછપરછ કરી છે.
લાલુ પ્રસાદના પરિવારનું કહેવું છે કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફરી એકવાર ’જમીનના બદલામાં નોકરી’નો મામલો સામે આવ્યો છે. સીબીઆઈ આ કેસની બે વખત તપાસ કરી ચૂકી છે અને તેને કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી સીબીઆઈએ કેસ બંધ કરી દીધો હતો. ત્યારે હવે સીબીઆઈ આ મામલે પૂછપરછ કરીને શું જાણવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે ’લેન્ડ ફોર જોબ’ કેસમાં મે મહિનામાં સીબીઆઈની ટીમે દેશભરમાં ૯ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ પટના, આરા, ભોજપુર, દિલ્હી અને ગુરુગ્રામમાં દરોડા પાડ્યા હતા. બિહારના પૂર્વ મંત્રી પ્રેમચંદ ગુપ્તાના ઘર પર પણ સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે સીબીઆઇએે રાજદ પ્રમુખ લાલુ યાદવના નજીકના ધારાસભ્ય કિરણ દેવીના પટના અને આરાના ઘરો પર દરોડા પાડ્યા હતા.
આ મામલો ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે લાલુ પ્રસાદના પરિવારને કથિત રીતે ભેટમાં આપવામાં આવેલી અથવા વેચવામાં આવેલી જમીનના બદલામાં રેલવેમાં કરવામાં આવેલી નિમણૂકો સાથે સંબંધિત છે. આ અંગે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ભારતીય રેલ્વેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને રેલ્વેમાં નિમણૂંકો કરવામાં આવી હતી.