
નોઇડા,યુપીના નોઇડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ રેસ્ટો-બારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામાનંદ સાગરના ટીવી શો રામાયણની રીમિક્સ-ક્લિપ ડ્રિંક પાર્ટીમાં સંગીત સાથે વગાડવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ નોઈડા પોલીસે પોતે જ આ મામલે એફઆઇઆર નોંધી છે. આ પછી પોલીસે ગાર્ડન ગેલેરિયામાં લોર્ડ ઓફ ડ્રિંક્સ બારના કો-ઓનર અને તેમના મેનેજરની ધરપકડ કરી છે. વાઇરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળે છે. તેમની પાછળ રામાયણ શોના શ્રી રામ-રાવણ યુદ્ધનું દૃશ્ય મોટા પડદા પર દેખાઈ રહ્યું છે. પાછળથી બંનેના ડાયલોગ આગળ-પાછળ ચલાવવામાં આવ્યા, સાથે જ ફાસ્ટ મ્યુઝિક પણ વાગતું રહ્યું.
ડીસીપી નોઈડા શક્તિ અવસ્થીના જણાવ્યા અનુસાર, આ મામલે કાર્યવાહી કરતાં સેક્ટર ૩૯ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ પછી કો-ઓનર માણક અગ્રવાલ અને મેનેજર અભિષેક સોનીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ડીજે હાલમાં ચેન્નઈમાં છે. ત્રણેય સામે IPC કલમ ૧૫૩છ ( જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનું કાર્ય) અને ૨૯૫ (કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને અપવિત્ર કરવું અથવા નુક્સાન પહોંચાડવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટ્વિટર પર વીડિયો ક્લિપ શેર કરતાં એક યુઝરે યુપી પોલીસ અને નોઈડા પોલીસને ટેગ કર્યા છે, સાથે લખ્યું કે નોઈડામાં આ વીડિયો જાહેરમાં ચલાવવામાં આવી રહ્યો છે અને હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અન્યથા જો કોઈ તોડફોડ થશે તો એના માટે તેઓ (રેસ્ટો-બાર્સ) જવાબદાર રહેશે. મહાકાલ મંદિર પરિસરમાં વીડિયો રીલ બનાવવાને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. બે છોકરીએ ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં જલાભિષેક અને ડાન્સનો વીડિયો શૂટ કર્યો છે. આ વીડિયોમાં બોલિવૂડનાં ગીતો સામેલ કરવામાં આવ્યાં હતાં અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યાં હતાં. આ અંગે મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો છે, સાથે જ કલેકટરે તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી છે. સ્મશાનમાં જ્યાં લોકો મૃત્યુ પર આંસુ વહાવે છે, અંતિમસંસ્કારની ચિતાઓ સળગતી હોય છે ત્યાં તાળીઓના ગડગડાટ વચ્ચે ’મુન્ની બદનામ હુઈ’ જેવા બોલિવૂડ ગીતો પર ડાન્સ જોઈને લોકો પરેશાન થયા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.