નોબેલ ફાઉન્ડેશનનો યુ-ટર્ન, રશિયા-બેલારુસ અને ઈરાન તરફથી જોરદાર વિરોધ બાદ આમંત્રણ પાછું

વોશિગ્ટન, નોબેલ ફાઉન્ડેશને ભારે વિરોધ બાદ રશિયા, બેલારુસ અને ઈરાનને મોકલવામાં આવેલ આમંત્રણ પાછું ખેંચી લીધું છે. હકીક્તમાં નોબેલ ફાઉન્ડેશને અન્ય દેશોની જેમ આ ત્રણ દેશોને પણ આ વર્ષના નોબેલ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. ફાઉન્ડેશને કહ્યું કે આમંત્રણ પાછું ખેંચવાનો નિર્ણય સ્વીડનમાં ભારે વિરોધને કારણે લેવામાં આવ્યો છે.

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, નોબેલ ફાઉન્ડેશને એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. રિલીઝમાં, ફાઉન્ડેશને કહ્યું કે રશિયા, બેલારુસ અને ઈરાનના રાજદૂતોને આમંત્રિત કરવામાં આવશે નહીં. ફાઉન્ડેશનનું કહેવું છે કે અમે સમારોહમાં એવા દેશોને સામેલ કરી શકીએ નહીં જે નોબેલ પુરસ્કારના મૂલ્યોને વહેંચતા નથી. પહેલા યુક્રેને ત્રણેય દેશોને આમંત્રણ આપવાનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, યુરોપિયન સંસદના એક સ્વીડિશ સભ્યએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો અને તેને અયોગ્ય ગણાવ્યું.

નોબેલ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે નોબેલ પુરસ્કાર જે મૂલ્યો અને સંદેશાઓને પ્રોત્સાહન આપે છે તેને પ્રાપ્ત કરવું મહત્વપૂર્ણ અને જરૂરી છે. પાછલા વર્ષોની જેમ, શાંતિ પુરસ્કાર રશિયા અને બેલારુસના માનવાધિકાર કાર્યકરો તેમજ યુક્રેનના લોકોને આપવામાં આવ્યો હતો, જેઓ રશિયન યુદ્ધ ગુનાઓ સામે કામ કરે છે. સ્વીડનના વડા પ્રધાન અને યુક્રેનના અધિકારીઓએ ફાઉન્ડેશનના પગલાને આવકાર્યું છે.