ભરૂચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર વિસ્તારમાં આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા ૧.૪૫ લાખથી વધુના માલમત્તાની ચોરી થતા જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક એચડીએફસી બેક્ધના એટીએમ સામેના પ્લોટ નંબર ૨/૨૫૦૨ પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામનું હાર્ડવેરનું ગોડાઉન આવેલું છે. હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે આ ગોડાઉન ત્રણેક દિવસ સુધી બંધ હતું, ત્યારે બંધ ગોડાઉનનો લાભ લઇ કેટલાક તસ્કર ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગોડાઉનમાંથી ૬૩૨ એસ.એસ.ના બોલ વાલ, કાસ્ટિંગ બોલ વાલ્વ, પીવીસી બ્રેડેડ પાઇપ, એસ.એસ.ના થર્મો ડાયનેમીક સ્ટીમટ્રેપ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. ૧.૪૫ લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. ગોડાઉનમાં ચોરી થયા અંગેની જાણ થતાં જ માલિક અજય પટેલ દ્વારા અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.