નાઇજીરિયામાં બંધક રહેલા ૧૬ નાવિકો ૯ મહિને ભારત પરત

નવીદિલ્હી, એક માલવાહક જહાજના ૧૬ ભારતીય ક્રૂ મેમ્બર આફ્રિકાના દેશ ઇક્વેટોરિયલ ગિની અને નાઇજીરિયામાં ૯ મહિનાથી વધુ સમય સુધી બંધક રહ્યા પછી ભારત પરત આવ્યા છે, તેમ સત્તાવાર સૂત્રોએ રવિવારે માહિતી આપી છે. ભારત સરકાર તરફથી સંબંધિત સરકાર સાથે કરાયેલી લાંબી વાતચીત પછી આ શક્ય બન્યું છે. તેલ ટેક્ધર એમટી હીરોઇક ઇદુન અને તેમાં રહેલા ૧૬ ભારતીય સહિત ૨૯ ક્રૂ મેમ્બર ઓગષ્ટ મહિનાથી કેદમાં હતા.

તેમને આરંભમાં ઇક્વેટોરિયલ ગિની અને પછી નાઇજીરિયામાં કેદ કરવામાં આવ્યા હતા. જહાજ અને તેમના ક્રૂ મેમ્બરોના સભ્ય પર તેલ ચોરી સહિત વિવિધ આરોપ લગાવવામાં આવ્યા હતા. આરંભથી જ ભારત સરકારે ઇક્વેટોરિયલ ગિની અને નાઇજીરિયામાં પોતાના મિશન મારફતે અને દ્વિપક્ષીય બેઠકોમાં વિવિધ સ્તરો પર સંબંધિત વિદેશી અધિકારીઓ સમક્ષ આ મામલાને ઉઠાવ્યો હતો. ભારત સરકારે આ મુદ્દાના તાત્કાલિક ઉકેલ લાવવા અને ભારતીય ક્રૂ મેમ્બરોને છોડવા માટે દબાણ કર્યું હતું.

નાઇજીરિયા સરકારના હસ્તક્ષેપ બાદ ક્રૂ મેમ્બરોને જમીન પર એક કેન્દ્રમાં લઈ જવાબને બદલે નિયમિત ભોજનની જોગવાઈ સાથે જહાજ પર રહેવાની છૂટ આપી અને પોતાના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરવાની મંજૂરી આપી હતી. એક સૂત્રે કહ્યું કે, લાંબી વાતચીત પછી, ક્રૂ મેમ્બરો વિરુદ્ધના આરોપ હટાવી દીધા અને દંડ ભર્યા બાદ જહાજને ૨૭ મેએ મુક્ત કર્યું હતું. ભારતીય ક્રૂ મેમ્બર હવે દેશમાં પરત આવી ગયા હતા. સૂત્રોના કહેવા અનુસાર ભારતીય મિશનના અધિકારીઓ જાહજના ક્રૂ મેમ્બર સાથે નિયમિત સંપર્કમાં રહ્યા હતા.