નિવૃત્ત પોલીસ પુત્રની જાહેરમાં હત્યા:ચીખલીમાં ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લોખંડની પાઇપ લઈ તૂટી પડ્યાં

નવસારી,ચીખલી નજીકના થાલા ગામે ચીખલીની વસુધારા માર્ગ પર નહેર નજીક નિવૃત્ત ASIના પુત્ર ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ પ્રાણઘાતક હુમલો કરતા તે લોહી લુહાણ થયો હતો. જેને પોલીસે હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ સારવાર મળે એ પૂર્વે તેનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ચીખલી દોડી આવ્યાં હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હમલાખોરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડવાની માગ કરી છે તેમજ જ્યા સુધી આરોપીઓ નહીં પકડાય ત્યા સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ વાત કરી છે.

નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે શિવેચ્છા સોસાયટીમાં રહેતો વિનલ પટેલ ગત રાતે ૮ વાગ્યા આસપાસ પોતાની મોપેડ લઈને કોલેજ સર્કલ નજીક આવેલી નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક દૂધ વહન કરતી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતરી અચાનક લોખંડના પાઇપ વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડઘાઈ ગયેલા વિનલે બચવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ ભેરવાઈ જતા જમીન પર પડ્યો હતો. જે બાદ હુમલાવરો તેના ઉપર તૂટી પડ્યા હતા. જેથી તેને ફ્રેકચર થયું હતું, જ્યારે હુમલાથી બચવાના પ્રયાસમાં વિનલના માથાના પાછળના ભાગે ઈજા થતા લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

ચીખલી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડતી થઈ હતી. હુમલાવરો ભાગવાની જલ્દબાજીમાં ઘટના સ્થળે પોતાની બાઈક મુકી ગયા હતા. આ વચ્ચે પોલીસે પોતાના વાહનમાં જ ગંભીર રીતે ઘવાયેલાં વિનલ પટેલને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ વિનલનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જેથી પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી તપાસને વેગ આપ્યો હતો. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક ૠષિકેશ ઉપાયાય, નાયબ પોલીસ વડા એસ. કે. રાય સહિત LCB, SOG તેમજ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનારા આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક વિનલ પટેલના ભાઈ હિમેશે જણાવ્યું હતું કે, મારો ભાઈ સામાજીક કામમાં સદાય અગ્રેસર રહ્યો છે, જરૂરિયાતમંદ લોકોના કામ આપવું તેની આદત હતી. મારા ભાઈની કોઈ સાથે અદાવત કે દુશ્મની ન હોવા છતાં પણ તેનું મર્ડર કરવામાં આવ્યું છે. મૃતક વિનલ પટેલના ભાઈએ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ભાઈના મૃતદેહને નહીં સ્વિકારવાની વાત કરી, ન્યાય માટેની માંગ કરી હતી.

ચીખલીના થાલામાં યુવકની હત્યા મામલે મૃતક યુવકના પરિજનોની ધારાસભ્ય નરેશ પટેલે મુલાકાત લીધી હતી. નરેશ પટેલે પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બીજી તરફ મૃતક યુવાનનો પરિવાર આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા મક્કમ જોવા મળ્યા છે. તેમજ સરાજાહેર યુવકની હત્યાને પગલે કોળી પટેલ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે.

પોલીસે હુમલાવરોની બાઈકનો કબ્જો મેળવી, તેના માલિકની માહિતી મેળવવા સાથે ટેકનિકલ સર્વેલન્સ સાથે બાતમીદારોનુ નેટવર્ક એક્ટિવ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો આરંભ્યા છે. જોકે, પોલીસ પુત્ર વિનલ પટેલને ક્યા કારણોસર મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, કોણ હોઈ શકે એ મુદ્દે પરિવારજનો પણ અજાણ છે. ત્યારે કોણે હુમલો કરાવ્યો, કોઈ જૂની અદાવત છે કે પછી કોઈ બીજું કારણ..? જેવા અનેક પ્રશ્ર્નો લોક માનસમાં ઉઠી રહ્યા છે, ત્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચે, ત્યારે જ સાચી હકીક્ત સામે આવશે.