નિત્યાનંદ આશ્રમમાંથી ૨ યુવતી ગુમ થવા મામલે હાઈકોર્ટ આકરા પાણીએ, તપાસ સંસ્થાઓની પાંગળી કાર્યવાહી સામે કરી લાલ આંખ

અમદાવાદ, અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ ૨૦૧૯માં ૨ યુવતીઓના ગુમ થવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે મામલે આજે સાડા ૪ વર્ષ બાદ વધુ એક વખત સુનાવણી હાથ ધરાઇ હતી. આટલા વર્ષો સુધી ગુમ થયેલ યુવતીઓની ભાળ ન મળવા મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવ્યું હતું.

આ કેસમાં તપાસ સંસ્થાઓની સાથે સાથે ભારત સરકારને પણ કડક શબ્દોમાં પૂછ્યું હતું કે, શું જમૈકન દેશ સાથે કોઈ ખાસ ટ્રિનિટી છે કે કેમ જેના કારણે તેમને પરત લાવી શકાય. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ અન્ય પક્ષના વકીલને સવાલ કરતાં કહ્યું હતું કે શું બે યુવતીઓ જમૈકન એમ્બેસી સમક્ષ હાજર રહીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપશે કે કેમ, જે અંગે તેમના વકીલ સ્પષ્ટ ના પાડી દેતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ પણ ચોકી ઉઠ્યા હતા.

જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ સવાલ કરતાં કહ્યું હતું કે અગાઉ પણ અનેક વખત તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ વારંવાર તેઓ ગેરહાજર રહીને કોર્ટના આદેશોની અવગણના કરી રહ્યા છે. જેનો જવાબ આપતા સિનિયર કાઉન્સિલે કીધું હતું કે બંને યુવતીઓને સતત તેમના પિતા દ્વારા ધમકીઓ અથવા અન્ય રીતે પરેશાન કરવામાં આવે છે. જેના કારણે તેઓ હાજર નથી રહ્યા જેની સામે કોર્ટે કહ્યું કે તેમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેવા માટે કોર્ટ આદેશ કરે છે નહીં કે તેમના પિતા માટે આગામી દિવસમાં શું થઈ શકે છે તેનો સ્પષ્ટ જવાબ પણ ગુજરાત હાઇકોર્ટ માગ્યો છે.

આ તમામની વચ્ચે બંને યુવતીઓના પિતા જનાર્દન શર્મા આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં આવ્યા હતા અને સાડા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી હેબિયસ કૉર્પસ પિટીશનમાં હવે તેઓ CBIની નિષ્પક્ષ તપાસની માગણી પણ કરી રહ્યા છે. અનેક વખત તપાસ સંસ્થાઓ દ્વારા બ્લુ કોર્નર નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ સાડા ચાર વર્ષના અંતે પણ પરિણામ શૂન્ય મળતા હવે તપાસ અધિકારીઓ અને તપાસની સંસ્થાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આગામી સપ્તાહે વધુ સુનવણી હાથ ધરાશે.