
- બિહારના મુખ્યમંત્રીને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો, આરોપી મૂળ બિહારનો વતની
સુરત,
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતમાં હોવાની માહિતી મળી હતી. એને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માગતાં ક્રાઈમ બ્રાન્ચે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે. આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે.
બે દિવસ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે બિહાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારી વ્યક્તિની ઓળખ અંક્તિ મિશ્રા તરીકે થઈ હતી. તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતાં બિહાર પોલીસે સુરત પોલીસને જાણ કરી મદદ માગી હતી.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરાતાં ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે અંક્તિ મિશ્રાને આજરોજ લસકાણાથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપ્યો હતો. સુરતમાં રહી મજૂરીકામ કરતા મૂળ બિહારના અંક્તિ મિશ્રાએ ૨૦ માર્ચના રોજ ઈન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ લલિત વાગડિયા એ જણાવ્યું હતું કે ગત ૨૦ માર્ચ ૨૦૨૩ના રોજ બિહારના મુખ્યમંત્રીને મીડિયાના માયમથી ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી સુરતથી યુવકે આપી હોવાનું જાણવા મળ્યું હતું. બિહારના પટના જિલ્લાના સચિવાલય પોલીસ મથકમાં અજાણ્યા યુવક સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતા બિહાર પોલીસને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ગુજરાતના સુરતમાંથી આવ્યો હોવાનું સામે આવ્યો હતો. જેને લઇ બિહાર પોલીસની ટીમ સુરત આવી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ધમકી આપનારને શોધવા મદદ માંગી હતી.
લલિત વાગડીયા વધુમાં જણાવ્યું હતું કે બિહાર પોલીસ સુરત આવીને ધમકી આપનારને શોધવાની મદદ માગી ત્યારે બનાવની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને આરોપીને પકડવા ટીમ કામે લગાવવા કહ્યું હતું. જેને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ દોઢીયા અને તેમની ટીમ સતત વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન મુખ્યમંત્રીને ધમકી આપનાર અંક્તિ કુમાર વિનય કુમાર મિશ્રાનું લોકેશન લસકાણા ખાતે મળી આવ્યું હતું. પોલીસની હ્યુમન સોસસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધમકી આપનારની ચોક્કસ માહિતી મળી આવી હતી. જેને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી અંક્તિ કુમાર મિશ્રાને લસકાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની સઘન પૂછપરછ હાથ ધરી વધુ તપાસ માટે બિહાર પોલીસને સોંપી દીધો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બિહારના મુખ્યમંત્રીને ધમકી આપનાર અંક્તિકુમારની સુરતથી ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આરોપી અંક્તિકુમાર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તે સુરતમાં છેલ્લાં છ વર્ષથી રહે છે. જ્યારે તેનું મૂળ વતન બિહારના વૈશાલી જિલ્લાના મધુસૂદન ગામનો રહેવાસી છે. સુરતના લસકાણા ખાતે આવેલા લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે. ત્યારે સુરતથી તેણે બિહારના મુખ્યમંત્રીને શા માટે ધમકી આપી હતી તેની પૂછપરછ હાલ બિહારની સચિવાલય પોલીસ કરી રહી છે.
પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા સઘન તપાસ કરતાં વધુમાં જાણવા મળ્યું હતું કે અંક્તિકુમારની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા પ્રાઇમરી પૂછપરછમાં તેના ફોનની તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે ગૂગલ મારફતે ઘણા બધા નંબરો તેણે સર્ચ કર્યા હતા. જેમાંથી તેણે બિહારની કોઈ મીડિયા ચેનલનો સંપર્ક કરીને બિહારના મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની માહિતી આપી હતી. જોકે સર્ચ કરવામાં આવેલા તમામ નંબરો તેને શા માટે કર્યા હતા તેની તપાસ બિહાર પોલીસ કરી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી પાસેથી કબજે કરાયેલ મોબાઈલ અને આરોપી અંક્તિકુમાર મિશ્રાને બિહારની સચિવાલય પોલીસને સોંપ્યો છે અને બિહારની સચિવાલય પોલીસ તેની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે