પટણા,પટના: જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે આગામી લોક્સભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર વિપક્ષને એક કરવાની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલની સફળતાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.
લાલન સિંહે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે નીતિશ કુમાર વિપક્ષી એક્તા પર ચર્ચા કરવા માટે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ નેતા અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ભાજપને પડકારવાના નીતિશ કુમારના પ્રયાસો બાદ વિપક્ષી પાર્ટીઓ એક થશે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરીને તેમના વચનો પૂરા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે લોકોએ તેમના (નરેન્દ્ર મોદી) પરથી આશા ગુમાવી દીધી છે. હવે તેમની વાત માનવા કોઈ તૈયાર નથી.
લાલન સિંહે એવી આશંકાઓને દૂર કરી કે કોંગ્રેસની સંડોવણી વિના ભાજપ વિરોધી મોરચા પર મમતા બેનર્જીનું વલણ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોને એક કરવામાં અવરોધો ઉભી કરશે. તેમણે કહ્યું કે એ નિશ્ર્ચિત છે કે નીતીશ કુમારના પ્રયાસો ફળશે અને તેમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. નોંધનીય છે કે નીતિશ કુમારે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ સાથે સોમવારે કોલકાતામાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીને વિપક્ષી દળોને એક કરવાના અભિયાનના ભાગરૂપે મળ્યા હતા. બેઠક બાદ નીતિશ અને મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી એક્તા પર તેમની વચ્ચે સારી વાતચીત થઈ. બંને નેતાઓએ સામાન્ય માણસની આકાંક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહેવા અને માત્ર પ્રચારમાં વ્યસ્ત રહેવા બદલ ભાજપ સરકારની ટીકા કરી હતી.