બિહારમાં એક ચોંકાવનારા ઘટનાક્રમમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને જે રીતે થોડા કલાકોની અંદર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા, તેનાથી ફરી એક વખત એ જ સાબિત થયું કે તેમના માટે રાજકીય મૂલ્યો-મર્યાદાઓનું કોઈ મહત્ત્વ નથી. પોતાની સત્તા બચાવવા અને મુખ્યમંત્રી બની રહેવા માટે તે ગમે તે કરી શકે છે. આ પહેલી વખત નથી કે જ્યારે તેમણે રાજદથી છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવ્યો હોય. તેઓ આ કામ પહેલાં પણ કેટલીય વાર કરી ચૂક્યા છે અને એ વિશે કહેવું મુશ્કેલ છે કે તેમણે આ છેલ્લી વખત પાટલી બદલી છે. ગઈ વખતે તેમણે જ્યારે ભાજપ સાથે નાતો તોડીને રાજદ સાથે હાથ મિલાવ્યા હતા તો તેઓ પોતાના આ નિર્ણય પાછળ કોઈ ઠોસ કારણ નહોતા ગણાવી શક્યા આ વખતે પણ તેઓ એ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા કે તેઓએ ફરીથી ગુલાંટ કેમ મારવી પડી? તેમણે માત્ર એટલું જ કહ્યું કે બધું ઠીકઠાક નહોતું ચાલતું. એવું લાગે છે કે તેઓ એનાથી ક્ષુબ્ધ હતા કે કોંગ્રેસે તેમને વિપક્ષી ગઠબંધનના સંયોજક ન બનાવ્યા. એ માનવાનાં ઘણાં કારણો છે કે તેઓ વિપક્ષી ગઠબંધનના સંયોજક બનીને વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી આગળ વધારવા માગતા હતા. તેઓ આ પહેલાં પણ વડાપ્રધાન પદની પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. કહેવું મુશ્કેલ છે કે હવે તેઓ વડાપ્રધાન પદ મેળવવાની પોતાની આકાંક્ષાનો ત્યાગ કરી ચૂક્યા છે.
નીતિશ કુમારે ફરી એક વખત પાટલી બદલીને મુખ્યમંત્રીની ખુરશી હાંસલ કરી લીધી, તેનાથી તેમની પ્રતિષ્ઠા અને વિશ્ર્વસનીયતા પર આઘાત થવો નક્કી છે. એની અવગણના ન કરી શકાય કે છેલ્લા કેટલાક સમયમાં મુખ્યમંત્રી રૂપે સુશાસન બાબુની તેમની છબિ કમજોર થઈ છે. એટલું જ નહીં, તેમનો જનાધાર પણ ઓછો થતો દેખાયો છે. આ સમયે જેડીયુ સંખ્યા બળ મામલે ત્રીજા નંબરનો પક્ષ છે, પરંતુ બિહારની રાજકીય પરિસ્થિતિઓ એવી છે કે તેઓ વારંવાર પાટલી બદલીને મુખ્યમંત્રી બનવામાં સફળ રહે છે. ભલે તેમના સમર્થકો તેમનો જયજયકાર કરી રહ્યા હોય, પરંતુ બિહારની જનતાને કદાચ જ તેમનું વારંવાર પાટલી બદલવું ગમે. બિહારની જનતાની નજરમાં તેઓ સુશાસન બાબુ ઓછા, પરંતુ પલટુરામની છબિથી વધુ ઓળખાશે. જે રીતે નીતિશ કુમાર કેટલાય સવાલોથી ઘેરાયેલા છે, એ જ રીતે કેટલાક સવાલ ભાજપ સામે પણ છે. એ ઠીક છે કે ભાજપે એમ વિચારીને નીતિશ કુમારનો ફરી સાથ આપવો પસંદ કર્યો કે આગામી લોક્સભા ચૂંટણીમાં તેને બિહારમાં વધુમાં વધુ સીટો હાંસલ કરવામાં મદદ મળશે, પરંતુ જો નીતિશ સરકાર પોતાના કામકાજથી રાજ્યની જનતાને સંતુષ્ટ ન કરી શકી તો તેનું નુક્સાન ભાજપને પણ થવાનું નક્કી છે. જેડીયુ અને ભાજપ બંને એ સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે કે તેમના દ્વારા વારંવાર એમ કહેવા છતાં પણ ફરીથી હાથ મિલાવી લેવાય છે કે હવે ક્યારેય એકબીજાનો સાથ નહીં લઈએ?