નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક જેડીયુના કદાવર નેતાના ૧૮૫ વફાદારોને વેતરી નાખ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા છે. નીતિશે ૧૮૫ નેતાઓને રવાના કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જેડીયુમાં પોતાની સાથે વફાદારી બતાવનારા નેતાઓને જ હોદ્દા મળશે. નીતિશે ગેંગસ્ટર કમ રાજકારણી પ્રભુનાથ સિંહના પુત્ર રણધીરસિંહને ઉપપ્રમુખ બનાવીને લલનસિંહને પણ વેતરી નાંખવાનો તખ્તો ઘડી નાંખ્યો હોવાનું મનાય છે.

આ ઉપરાંત વકફ બિલમાં સુધારા માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)માં પણ મુસ્લિમો દ્વારા ઉઠાવાયેલા મુદ્દા ઉઠાવીને ભાજપને ભીંસમાં મૂકવાનો નિર્ણય નીતિશ કુમારે લીધો છે. લલનસિંહે લોક્સભામાં વકફ બોર્ડ બિલ રજૂ કરાયું ત્યારે આ બિલની તરફેણમાં આક્રમક્તાથી દલીલો કરી હતી. તેના કારણે નીતિશ કુમાર નારાજ છે.

નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી લલનસિંહને ભાજપ તરફ સો?ટ કોર્નર હોવાથી લલનસિંહ જેડીયુના નેતા તરીકે વર્તવાના બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યા હોવાની નીતિશ કુમારને શંકા છે. નીતિશ માને છે કે, લલનસિંહ ભાજપ સાથે મળીને પોતાની સામે બળવો કરાવીને જેડીયુમાં સર્વેસર્વા બનાવવા માગે છે જેથી ભવિષ્યમાં બિહારમાં ભાજપના નેતાને મુખ્યમંત્રી બનાવી શકાય. નીતિશ કુમારે બનાવેલી નવી પ્રદેશ સમિતીમાં ૧૦ ઉપપ્રમુખ, ૪૯ મહામંત્રી, ૪૬ મંત્રી, ૯ પ્રવક્તા અને ૧ ખજાનચી છે. નીતિશે લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૫ મહિના પહેલાં ૨૬૦ સભ્યોની પ્રદેશ સમિતી બનાવી હતી.

હવે અચાનક નીતિશે જૂની પ્રદેશ સમિતીને વિખેરી નાંખીને ૧૧૫ સભ્યોની નવી સમિતી બનાવી તેમાં જૂની સમિતીમાંથી ૧૮૫ સભ્યોને રવાના કરીને ૭૫ હોદ્દેદારોને જ રીપીટ કર્યા છે અને ૪૦ નવા ચહેરાને તક આપી છે. સામાન્ય રીતે પ્રદેશ સમિતીની મુદત ૩ વર્ષની હોય છે પણ નીતિશે સવા વર્ષ પછી જ પ્રદેશ સમિતીના વિખેરી નાખતાં નીતિશ નવાજૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.

નીતિશે નવી સમિતીમાં ઉપપ્રમુખ બનાવેલા રણધીરસિંહ લોક્સભા ચૂંટણીમાં આરજેડીમાંથી ટિકિટ ના મળતાં જેડીયુમાં જોડાઈ ગયા હતા. નીતિશે જૂની સમિતીના ૨૦ ઉપપ્રમુખોને રવાના કરી દીધા છે. જૂની સમિતીમાં ૧૦૫ મહામંત્રી હતા તેમાંથી મોટા ભાગનાને હટાવી દેવાયા છે.