મહેસાણા,
મહેસાણા ખાતે આજે મહિલા સંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહેસાણા બેઠક પર ઉમેદવાર મુકેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો. જોકે, સ્મૃતિ ઈરાનીએ એક કાંકરે બે પક્ષી માર્યા હતા. તેમણે કોંગ્રેસ તથા આપ બંને પર પ્રહારો કર્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભામાં કહ્યુ હતું કે, હું પણ તમારી સાથે સ્મૃતિબેનને સાંભળવા ઉત્સુક છું. ભારત જોડો યાત્રા કરવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીકળ્યા છે. એ મહિનાઓ સુધી ફરવા નીકળ્યા છે, એટલે કેમકે સ્મૃતિબેને એમને લાંબી રજા પર મોકલ્યા છે. એમને અમેઠીથી હરાવનાર બીજું કોઈ નહિ, પરંતું સ્મૃતિબેન છે. માત્ર એક જ પરિવારે આઝાદી અપાવી એવા પ્રચારનો તેમનો પ્રયાસ છે. રાહુલ અને પ્રિયંકા બાદ હવે ગાંધી પરિવારનો ભાણિયો તૈયાર હશે. આ પરિવાર માત્ર દેશ પર રાજ કરવા માટે જ આવ્યો છે. આ પરિવારને કોઈ હરાવી ના શકે, એવી છાપ પેદા થઈ હતી. પણ મોદીજીએ રાહુલ સામે ગુજરાતી સ્મૃતિબેનને ઊભા રાખ્યા હતા. સ્મૃતિબેને અમેઠી જઈ ગુજરાતીનું પાણી બતાવી દીધું. સ્મૃતિબેન એમ-નેમ નથી જીત્યા, ગામડે ગામડે ફર્યા, લોક સંપર્ક કર્યો અને રાહુલ ગાંધીને હરાવ્યા. આપણે જાણીએ છીએ કે સેલિબ્રિટીને બધા ઊભા રાખે અને એ જીતે પણ ખરા. પણ જીતવું અગત્યનું નથી, પ્રજાનો વિશ્ર્વાસ ટકાવો એ વધારવો એ ઓછા સેલિબ્રિટી કરી શક્તા હોય છે. મારી જાણકારી મુજબ હેમા માલિની અને સ્મૃતિ ઈરાની સફળ રહ્યા છે, સતત જીતે છે. એમની કામગીરી મેં ગુજરાત સરકારમાં રહીને નજીકથી જોઈ છે. સ્મૃતિ ઈરાની પાસે મહિલા અને બાળ વિભાગ છે. દેશની અડધી વસ્તી મહિલાઓની છે, એમને શિક્ષણ, રોજગારી આપવી એ કામ પીએમ મોદીએ સ્મૃતિ બેનને સોંપ્યું છે, એ ગર્વની વાત છે. લોક્સભામાં બોલે તો બધા સાંભળે છે, અમારા જેવા કોઈ બોલે તો જગ્યા ઓછી મળે, પણ સ્મૃતિ બેન બોલે એટલે અડધું પાનું એ લઈ જાય.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહેસાણામાં પ્રચાર કરતા કહ્યું કે, તમે મને અમેઠી મોકલ્યા છે. નીતિનભાઈએ મારા ખૂબ વખાણ કર્યા. હું બે વાર ગુજરાતથી સાંસદ રહી, બે વાર પ્રસ્તાવો મોદીજીએ આપ્યા હતા, પણ છેલ્લે નીતિનભાઈ હતા. હું ફોર્મ ભરતી એ વખતે નીતિનભાઈ કહેતા કે ભરી આપું છુ, ગુજરાતના લોકો માટે કામ કરજો, સંગઠન માટે કામ કરજો. નીતિનભાઈ તમે જે આશીર્વાદ આપ્યા એમાં ચૂક નથી થઈ. આ ચૂંટણી અમે સરળતાથી નહીં લઈએ. તમે માત્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી લડો છો એવું નાં થવું જોઈએ.
તેમણે મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું કે, બહેનોને મારા સમ છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવાના છે. આ યાત્રામાં રાહુલ ગાંધી એવા વ્યક્તિ સાથે ચાલ્યા, જેમણે ડેવિડ હેડલીને રસ્તો પણ બતાવ્યો. હિન્દુઓ સાથે યહૂદી બહેનને પણ પાકિસ્તાન ફોન કરીને પાકિસ્તાનીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આવા લોકો સાથે રાહુલ ગાંધી યાત્રા કાઢે છે પણ કોઈ પ્રશ્ર્ન કરતું નથી. મધ્યપ્રદેશમાં એમની યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદનાં નારા લાગ્યા. રાહુલ ગાંધી મેઘા પાટકરને સાથે લઈને ચાલ્યા. મહારાષ્ટ્રમાં જઈને વીર સાવરકર વિશે બોલ્યા, પણ આ કોઈ સવાલ નહીં પૂછે. તમારે દરેક ઘરે જઈને લોકોને કહેવું પડશે, કે કોંગ્રેસને વોટ નાં આપે. ડબલ એન્જિન નહીં પણ અહીંનો તમારો ધારાસભ્ય હશે તો ટ્રિપલ એન્જિન બનશે. હું તો કહું છું કે, ગાંધી પરિવારને મેદાનમાં લાવો, ઓકાદ બતાવી દઈશ. તો સ્મૃતિ ઈરાનીએ માત્ર કોંગ્રેસને જ નહિ, આપ પાર્ટીને પણ નિશાને લીધા હતા. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, બીજો એક રેવડીબાજ છે. સુરતમાં કાર્યાલય પર તાળા લાગ્યા છે. આટલી ચૂંટણી થઈ પણ ક્યારેય અમે કોઈની બાને ગાળો નથી આપી. આ લોકોએ એ હદ પણ પાર કરી. આમ, સ્મૃતિ ઈરાનીએ મહિલા મોરચાને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ જુગલજી ઠાકોર, સાંસદ શારદાબેન પટેલ તેમજ ડોક્ટર દિપીકાબેન સરડવા ઉપસ્થિત રહ્યા હતા.