નીતિન ગડકરી હિમાચલમાં વરસાદથી નુક્સાન પામેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવશે.

બિલાસપુર, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે (૧ ઓગસ્ટ) હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને પૂરના કારણે નુક્સાન પામેલા નેશનલ હાઈવે-ફોરલેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રીનો હિમાચલ પ્રવાસ નક્કી થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંડી અને કુલ્લુમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત કિરતપુર-મનાલી ફોરલેનનું નિરીક્ષણ કરવા ઉપરાંત, નીતિન ગડકરી કાલકા-શિમલા ફોરલેનને થયેલા નુક્સાનનો પણ હિસાબ લેશે.

ગડકરીની સાથે એનએચએઆઇની નિષ્ણાત સમિતિ પણ હાજર રહેશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રીની મુલાકાતની તૈયારીઓ માટે એનએચઆઇના અધિકારીઓએ શુક્રવારે મંડીમાં વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. ફોરલેન બનાવવાની કામગીરી ઝડપી બનાવવા માટે પણ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૨ દિવસમાં વાહનોની અવરજવર માટે ફોરલેન પુન:સ્થાપિત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પંડોહથી આગળ કિરાતપુર-મનાલી ફોરલેન વરસાદમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જેના કારણે હવે મનાલી સુધી ફોર લેન બનાવવા માટે ઘણો સમય લાગશે. પરંતુ કિરાતપુરથી નેરચોક સુધીના ફોરલેન પર કોઈ મોટું નુક્સાન થયું નથી. કેટલીક જગ્યાએ નુક્સાન થયું છે, જેને રિપેર કરવામાં થોડો સમય લાગશે. હવે કેન્દ્રીય પ્રધાન ગડકરી સાથે એનએચએઆઇની નિષ્ણાત સમિતિ હિમાચલના પ્રવાસે આવી રહી છે અને મંડી અને કુલ્લુમાં ફોર લેનને થયેલા નુક્સાનની સમીક્ષા કરશે. એનએચએઆઇ પ્રોજેક્ટ ડાયરેક્ટર વરુણ ચારીએ આ માહિતી આપી છે.