
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાના જ બાળકની માતાના ગર્ભમાં હત્યા કરી દીધી હતી. બીજું બાળક ન ઇચ્છતા પિતા મહંમદ ઇરફાને પત્નીને ગર્ભપાત માટે દવા ખવડાવી હતી. ત્યાર બાદ રાત્રે 2 વાગ્યે 6 મહિનાના ભ્રૂણને જન્માવી દીધો અને પછી મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. પાંડેસરા પોલીસે આ ગોઝારા ગુનાનો પર્દાફાશ કરતા પિતા મહંમદ ઇરફાન અને મેડિકલ માલિક લખા રામ ચૌધરીની ધરપકડ કરી છે.
BRTS બસ સ્ટેનડ નજીક ભ્રૂણ મળી આવ્યું હતું સવારના 6 વાગ્યે કૈલાશનગર ચોકડી BRTS સ્ટેશન નજીક કેટલાક સ્થાનિક લોકોને નાનકડું ભ્રૂણ નજરે પડ્યું હતું. નજીક જઇને જોયું તો એક 6 મહિનાનું ભ્રૂણ હતું જે શ્વાસ પણ લઈ રહ્યું ન હતું. આ દૃશ્ય જોઇ લોકો કંપી ગયા હતા. તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃત ભ્રૂણને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું.

પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાત્રે 2:30 વાગ્યે એક શખસ ભ્રૂણ ફેંકીને જતો નજરે પડ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે પાંડેસરા વિસ્તારમાં રહેતો મહંમદ ઇરફાન છે. જે વાળ કાપવાનું કામ કરે છે. પોલીસે મહંમદ ઇરફાનને પકડી પાડ્યો અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
બીજું સંતાન ન ઇચ્છતા પત્નીનો ગર્ભપાત કરાવ્યો એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, મહંમદ ઇરફાન અને તેની પત્નીને પહેલાંથી જ એક વર્ષનું બાળક છે. બે સંતાન ન રખાવા માટે ઇરફાને પત્નીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. પાંડેસરા વિસ્તારમાં એક મેડિકલમાંથી ક્લીન કીટ નામની ગર્ભપાત કરાવવાની દવા ખરીદી હતી. પહેલીવાર દવા ખવડાવી પણ ગર્ભપાત ન થયો તો ફરી બીજી દવા લાવી અને રાત્રે 2 વાગ્યે ગર્ભપાત કરાવ્યો.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ઇરફાન ભ્રૂણને દફનાવવાની યોજના બનાવી હતી. પછી ભય લાગ્યો કે કોઇ જાણ કરશે એટલે રસ્તા પર ફેંકી નાસી ગયો હતો.
મેડિકલ માલિકની પણ કરાઈ ધરપકડ જોકે, આ ઘટનામાં મેડિકલ માલિકે કોઇપણ ડોક્ટરની સલાહ વિના ગર્ભપાતની દવા આપી હતી. જેથી પોલીસે તેને પણ આરોપી ગણી મેડિકલ માલિકની ધરપકડ કરી છે.
પોલીસે પિતા મહંમદ ઇરફાન અને મેડિકલ માલિક લખા રામ ચૌધરી સામે IPC કલમ 315 (ભાનપૂર્વક ગર્ભપાત કરાવવો) અને 318 (નવજાત બાળકના મૃતદેહને છુપાવવા) હેઠળ ગુનો નોંધ્યો છે. હવે વધુ તપાસમાં મેડિકલ માલિકે આ પહેલાં પણ આવા કેસોમાં સંડોવાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.