લોક્સભા ચૂંટણી ૨૦૨૪નો આરંભ થઈ ગયો છે, તા. ૧૯ એપ્રિલ એ પ્રથમ તબક્કાનું મતદાન થયું, અને કુલ ૭ તબક્કામાં મતદાન બાદ પરિણામ ૪ જૂનના રોજ આવશે. એ રીતે રાજકીય તર્ક વિતર્ક અને ઊંડાણ પૂર્વક ચર્ચા માટે ખુબ લાંબો સમય મળી ગયો છે. ત્યારે પ્રથમ ચરણની ૧૦૨ બેઠકો માટે મતદાન બાદ જે વાત પ્રથમ બહાર આવી તે એ છે કે, ૨૦૧૪ કે ૨૦૧૯ જેવી કોઈ લહેર કે ઇમોશનલ મુદ્દો આ ચૂંટણીમાં દેખાતો નથી. તેથી વાસ્તવમાં લોક્સભાની ચૂંટણી કયા મુદ્દે લડાઈ રહી છે એનું આકલન પુન: કરવાની જરૃર ઉભી થઈ છે. એક તરફ મોદીની ગેરંટી છે, તો બીજી તરફ કોંગ્રેસે પોતાની ન્યાય ગેરંટી જાહેર કરી છે. મોદીની ગેરંટીમાં યુવાનોના વિકાસ, નારી સશક્તિકરણ, ક્સિાનોનું કલ્યાણ અને ગરીબોના ઉત્કર્ષની વાત કરવામાં આવી છે. તો કોંગ્રેસ પોતાની ન્યાયયાત્રાને આધારે રચાયેલી ન્યાય ગેરંટીમાં યુવાનો, ક્સિાનો, મહિલાઓ અને શ્રમિકોને થતા અન્યાય સામે ન્યાયની વાત અને સંખ્યાબંધ રાહતોની ખાતરી આપે છે. આ બે ચુનાવી પ્રચારના મુખ્ય મુદ્દાઓ બાદ જો કોઈ મુદ્દો સૌથી વધુ ચર્ચાતો હોય અથવા તો ભાજપ વિરુદ્ધ તમામ એકી સૂરે બેરોજગારી, વધતી જતી મોંઘવારી, ગરીબી, આથક અસમાનતાની વાત સૌથી વધુ બોલે છે અને કહે છે કે, ભાજપ સરકારની નીતિરીતિથી મુઠ્ઠીભર શ્રીમંતોને ફાયદો થયો છે. રોજગારીની નવી તકો આવતી નથી. વિપક્ષોના આવા પ્રચાર સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જમ્મુ-કશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ થઈ. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અમલી બન્યો, અને યુનિફોર્મ સિવિલ કોડ આવનારા દિવસોમાં ભાજપ સરકાર અમલી બનાવવા ઇચ્છે છે એની ખાતરીને રાષ્ટ્રવાદના મુદ્દા તરીકે આગળ ધપાવવાની કોશિશ કરી રહ્યું છે.
આ તમામ મુદ્દાઓ સાથે ભાજપના નાના-મોટા તમામ નેતાઓ રામમંદિરની વાત પોતાના પ્રચારમાં કરવાનું ચૂક્તા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તક મળે ત્યારે જૂની નવી અનેક વાત કરીને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો પર માછલા ધોવાની તક જતી કરતા નથી. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હિન્દીભાષી રાજ્યોમાં રામમંદિર મુદ્દે રાજકીય લહેર ઉભી કરવાની કોશિશ ભાજપ કરી રહ્યું છે. જોકે, આ મુદ્દો હજુ લહેરનું સ્વરૃપ આજની તારીખે પ્રાપ્ત કરી શક્યું નથી. સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી અને તમામ વિપક્ષો ભ્રષ્ટાચાર અને પારદર્શક્તાના મુદ્દે ભાજપ સરકારને ઘેરતા ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સૌથી ટોચ ઉપર રાખી રહ્યા છે. જેમાં અત્યારે એક વાત કહેવી પડે કે ઇલેક્ટોરલ બોન્ડ અને ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષોના ગાજ્યા મેહ ધાર્યા વરસ્યા નથી. વિપક્ષ ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો કે ભ્રષ્ટાચારના મુદ્દા તરીકે સામાન્ય જનતામાં પ્રસ્થાપિત કરી શકી નથી. એની ચર્ચા જરૃર થાય છે, પરંતુ મતદાનમાં એની અસરકારક્તા ખાસ જણાતી નથી.
ભાજપ કહે છે કે આ ચૂંટણી અમૃતકાલની છે. કોંગ્રેસના છેલ્લા ૫૦ વર્ષના શાસનમાં દેશની જનતાને થયેલા અન્યાય સામે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અને છેલ્લાં ૧૦ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા હાંસલ કરાયેલી સિદ્ધિઓના ગુણગાન, વિકસિત ભાજપના વિઝન ખાસ કરીને ૨૦૪૭માં ભારત આર્થિક દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી મહાસત્તા બની જશે એ મતલબનો આશાવાદ ભાજપ વ્યક્ત કરે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી કહે છે કે, ભાજપ વાતોના વડા કરે છે, ક્સિાનોને ન્યૂનતમ પોષણક્ષમ ભાવ મળતા નથી. ભાજપ સરકારે અગાઉની ચૂંટણીઓ દરમ્યાન બે કરોડ રોજગાર ઉપરાંત ક્સિાનોને આપેલા વચનો પાળ્યા નથી અને સરકારી નોકરીઓમાં ભરતી થતી નથી. બલ્કે અગ્નિવીર ટાઇપ ભરતીઓ થાય છે. એ રીતે આ વખતની ચૂંટણીમાં પણ મુદ્દાઓને કળવાનું અને મતદારોના અકળ મનનો કયાસ કાઢવાનું કામ અઘરું છે. આ ચૂંટણી વિચારસરણીઓની લડાઈ પણ ગણવામાં આવે છે. મતદાતાઓમાં નાહકનો ભય પેદા કરવા કેટલાક લોકો અપપ્રચાર ચલાવે છે.
ત્યારે આ ઓછું મતદાન થવાના સ્પષ્ટ કારણો અને ઘણાં બધાં પરીબળો કારણભુત હોય છે .લોકો ટાયલી ટાયલી ને ડાહી ડાહી વાતો કરે છે કે લોકશાહી પર હવે લોકોનો ભરોસો નથીં રહ્યો પણ અનેક વિસ્તારમાં ૭૦%થી વધુ મતદાન થાય છે. ખાસ તો રવિવાર સિવાયના દિવસે વોટીંગ રાખો એટલે આ તકલીફ રહેવાની. ઉનાળો અને વેકેશન, વાર , તહેવાર, પ્રસંગો વચ્ચે વોટીંગ આવે તો પણ આમ થાય. માઇગ્રેટ થયાં પછી નવાં સ્થળે જઈ ને તરતજ વોટર લીસ્ટમાં નામ ન નંખાવો તો પણ તકલીફ પડે. ને અમુક ને રાજકારણમા કોઇજ રૃચી નથીં. આજે પણ ઘણો મોટો વર્ગ જે ભગવાનની દયાથી વધારે ભણી ગયો છે એમને આજે પણ લાઇનમાં ઉભાં રહેવાની નાનમ લાગે છે ને જે બાળકો જન્મથી જ સ્માર્ટ ફોન ઓપરેટ કરવાનું શીખ્યા છે એમને ગુગલપે ની જેમ વોટ પણ ઓનલાઇન ટ્રાન્સફર કરવો છે. એ વાતમાં મતદાન ઘટે એ સ્વાભાવિક છે. અને તેના રાજકીય પરિણામ ચોક્કસ ચોકાવનારા જ હોય છે.