લોક્સભા ચૂંટણી પૂર્ણ થયે બે માસ ઉપરાંતનો સમય વીતી ચૂકયો છે, પરંતુ રાજનીતિ પરિદૃશ્ય પર હજીયે માહોલ યથાવત છે. ચૂંટણી બાદ બહુમતની સરકાર બની ચૂકી છે. બે સંસદીય સત્ર પૂર્ણ થઇ ચૂકયા છે. નવી સરકારનું પ્રથમ બજેટ પારિત થઇ ચૂકયું છે. પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપની શબ્દાવલી ચૂંટણી સમયે ઉપયોગમાં લેવાતી હતી તે જ લહેકા-લઢણવાળી જોવા મળી રહી છે.
સત્તા પક્ષનો આરોપ છે કે વિપક્ષ દેશમાં અરાજક્તા ફેલાવવા ઇચ્છે છે. કેટલાક વિપક્ષી નેતાઓએ બાંગ્લાદેશમાં વર્તમાન ઘટનાક્રમની ભારતમાં પુનરાવર્તનની પણ વાત છેડી હતી. લોક્સભા ચૂંટણી સંપન્ન થયે મહિનાઓ બાદ પણ વિપક્ષી નેતાઓના હાથની સંવિધાનની તે પ્રત છૂટતી નથી, જેને લહેરાવીને તેઓએ ચૂંટણીમાં બનાવટી નેરેટિવ બનાવ્યો હતો કે ભાજપ સંવિધાનને બદલી દેશે. વિપક્ષી નેતાઓ દ્વારા જાતિ આધારિત જનગણનાનો નારો પણ બુલંદ કરવામાં આવી રહ્યો છે. તમામ બાબતોનો મતલબ એ છે કે રાજનૈતિક દળ ચૂંટણીથી આગળ વધવા તૈયાર નથી અને મોનસૂત્ર સત્રમાં એ સ્પષ્ટ જોવા મળ્યું, જે એક ખતરનાક ચલણ છે. ખતરનાક એટલા માટે છે કે જનમતે આગામી પાંચ વર્ષ માટે રાજગને કમ કરવા માટે ચૂંટયો છે અને વિપક્ષને મજબૂતી સાથે પોતાની સકારાત્મક ભૂમિકા નિભાવવા માટે.
જો કે વર્તમાન રાજનીતિક માહોલ માટે ચૂંટણીની રાજનીતિ પણ જવાબદાર છે. કારણ કે વ્યવહારિક રુપથી ચૂંટણી મંચ એવો હોય છે જયાં આઝાદીનો વધુ દૂરપયોગ થતો હોય છે. જયાં નેતાઓ આરોપ લગાવતા રહેતા હોય છે, તેમને કોઇ સવાલ પૂછવામાં આવતા નથી. તેનાથી વિપરીત સંસદ જવાબદારી અને ઉત્તરદાયિત્વનો મંચ હોય છે. જે તથ્યાત્મક અને વૈચારિક સ્તર પર મજબૂત હોય. સરકાર પાસે પોતાનો એજન્ડા હોય છે પરંતુ વિપક્ષની અહીં સૌથી કપરી પરીક્ષા થાય છે કે તે પોતાના તર્ક અને તથ્યો દ્વારા પોતાની કેટલી સબળતા દાખવી શકે છે. એવા અનેક ઉદાહરણ છે કે જયારે સંસદમાં સંખ્યાબળના મોરચે કમજોર હોવા છતાંયે વિપક્ષ સરકારને ઝૂકાવવા માટે મજબૂર કરી હોય.
પરંતુ હવેના સમયમાં દૃશ્યો બદલાવા લાગ્યા છે. સરકાર રચાયા બાદના સમયમાં યોજાયેલા બે સત્ર અંગે કહેવાય છે કે ત્રણ મોટા અવસર હતા જયાં વિપક્ષ પોતાની વાતને મનાવી શકયા હોત. પ્રથમ અવસર હતો રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો, બીજો અવસર બજેટ અંગે ચર્ચા અને ત્રીજો અવસર વકફ સંશોધન વિધેયક. આ એ સમય હતો જયારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય મોટા ચહેરા અભિભાષણ અને બજેટના લેખિત દસ્તાવેજો સામે રાખીને એ ગણાવવું જોઇતું હતું કે, ચૂંટણી મંચ પરથી તેઓએ જે આરોપ લગાવ્યા હતા તે હવે પુષ્ટ થઇ રહ્યા છે કે નહીં. જો આવું સંભવ ન હતં તો આંકડા સાથે બતાવી શકયા હોત કે સરકારે અત્યાર સુધી વિકાસનો જે દાવો કર્યો છે તે કેટલા અંશે સાચો કે ખોટો છે?
જયારે બજેટને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોની નકલરુપ ગણાવ્યું હતું. કોંગ્રેસે એ પણ બતાવવું જોઇતું હતું કે, રાજસ્વ કેટલી સારી રીતે અર્જીત કરી શકાય છે. રાહુલ ગાંધીએ એ પણ બતાવવું જોઇતું હતું કે, એમએસપીની સંપૂર્ણ ગેરંટી માટે તેમની પાસે કેવો રોડમેપ છે અને સંભવત: અ મોરચે સરકારને મજબૂર કરી શક્ત. વાસ્તવમાં તેના દ્વારા રાહુલ ગાંધી એ પણ સાબિત કરી શક્ત કે તેઓ પોતાની ક્ષમતાના આધારે સરકારમાં આવવા માટે તૈયાર થઇ ચૂકયા છે, ન માત્ર પરિવારના આધાર પર. વાસ્તવિક્તામાં રાહુલ ગાંધીએ કર્યુ શું?
પ્રધાનમંત્રી સહિત અનેક ઉદ્યોગપતિઓ વિરુદ્વ ચૂંટણી સમયના આરોપો કર્યા, જેને જનતાએ ફરીથી ખારિજ કરી દીધા.એક સત્યતા એ છે કે સમગ્ર વિપક્ષ મળીને જેટલી બેઠકો જીતી શકયા નથી તેટલી એકલા ભાજપે જીતી છે. વડાપ્રધાને ચૂંટણીમાં જતા અગાઉ એક અકેલા સબ પર ભારીને વાત કરી હતી, તે એક હદ સુધી સત્ય નીવડી છે. બજેટ સત્રની ચર્ચા અભિભાષણની ચર્ચાથી આગળ ન વધી શકી. મત આપનાર મતદારો જાણવા ઇચ્છતા હતા કે કોઇ મુદ્દે તેમના નેતાની વૈચારિક ક્ષમતા કેવી અને કેટલી છે? વકફ સંશોધન વિધેયક રજૂ થવા દરમ્યાન વિપક્ષના અનેક નેતાઓએ વિરોધ કર્યો. આ એક અવસર હતો, ખાસ કરીને કોંગ્રેસે આગળ આવીને માનવું જોઇતું હતું કે, ર૦૧૩માં જે થયું હતું તેમાં સુધારની જરુરત આવી ગઇ છે.