
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જના મનની વાત સાંભળી હતી. દિલ્હીમાં પીએમના આવાસ પર ક્રિસમસ કાર્યક્રમ દરમિયાન એક તરફ એથ્લેટે પોતાના સમય દરમિયાનની રમતની સ્થિતિ વિશે વાત કરી. તેણે નીરજ ચોપરાની જીત પર ભારતભરમાં જશ્ન પર નારાજગી વ્યક્ત કરી. અંજુએ તેની અને આજકાલની સ્પોર્ટ્સ અને તેને સ્પોર્ટ્સથી મળતા સન્માનની પણ સરખામણી કરી. આ દરમિયાન સામે ખુરશી પર બેઠેલા પીએમ મોદી હસી પડ્યા હતા.
અંજુ બોબી જ્યોર્જે કહ્યું- એક ખેલાડી તરીકે હું 25 વર્ષથી બધું જોઈ રહી છું. હું પહેલાની તુલનામાં હવે ઘણા ફેરફારો જોઈ રહી છું. 20 વર્ષ પહેલા જ્યારે મેં વિશ્વ સ્તરે ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો, ત્યારે મારો વિભાગ મને પ્રોત્સાહન આપતો ન હતો. ત્યાં બધા કહેતા હતા કે અમારે ત્યાં આવું નથી થતું. તે પછી જ્યારે નીરજ ચોપરાએ મેડલ જીત્યો ત્યારે મેં ઘણા બદલાવ જોયા. અમે, તમે અને સમગ્ર ભારતે જે રીતે ઉજવણી કરી તેની મને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. મને લાગે છે કે હું ખોટા સમય પર સ્પોર્ટસમાં હતી.
અંજુ બોબી જ્યોર્જની ગણતરી ભારતના સફળ એથ્લેટ્સમાં થાય છે. તેણે 2003માં પેરિસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ સાથે તે એથ્લેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની હતી. તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 6.70 મીટરના જમ્પ સાથે મેડલ જીત્યો હતો.
વડાપ્રધાનની પ્રશંસા કરતા અંજુ બોબી જ્યોર્જે કહ્યું, “ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા દ્વારા હવે દરેક જગ્યાએ રમતગમતની વાત થઈ રહી છે. ભારત હવે ફિટનેસ અપનાવી રહ્યું છે અને રમતગમતમાં આગળ વધી રહ્યું છે. અમારા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમારા જમાનામાં એક-બે રમતવીરો હતા. હવે ઘણા ખેલાડીઓ છે.
તમારા નેતૃત્વના કારણે આ બન્યું છે. મહિલા સશક્તિકરણ હવે માત્ર શબ્દો નથી. ભારતની છોકરીઓ સપના જોઈ રહી હોય છે. તેઓ જાણે છે કે તેમનું સ્વપ્ન સાકાર થશે. અમે ખૂબ જ ખુશ છીએ કે અમે 2036 ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છીએ. અમે ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના માટે બેઠકો યોજવામાં આવી રહી છે.