સુરત, લોક્સભાની ચૂંટણી માટે મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના બિનહરીફ થયેલી બેઠકના મતદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફોર્મ રદ્દ થયાં બાદ નિલેશ કુંભાણી ગાયબ હતા, તે સમયમાં વિરોધ નબળો પડ્યો હતો. પરંતુ ગઈકાલે કુંભાણી સુરત આવ્યાની વાત બાદ વરાછા વિસ્તારમાં કેટલાક કાર્યકરોએ રાત્રીના સમયે વરાછા વિસ્તારમાં પોસ્ટર બેનર લગાવીને કુંભાણી સામે વિરોધ પ્રગટ કર્યો હતો. કેટલીક જગ્યાએ કુંભાણીના ફોટા પર કાર્યકરોએ સુખડનો હાર ચઢાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
લોક્સભા ૨૦૨૪માં દેશનું પરિણામ જાહેર થાય તે પહેલા જ સૌથી પહેલી સુરત બેઠક પર પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને નાટકીય ઢબે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટના બાદ સુરતના રાજકારણમાં ભડકો થયો અને ત્યારબાદ કુંભાણી અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમણે વીડિયો મારફતે પોતાનો ખુલાસો કર્યો હતો. જોકે, ગઈકાલે સુરત આવ્યાના અહેવાલ બહાર આવ્યા હતા. પરંતુ અચાનક ફરી તેઓ ગાયબ થઈ ગયા હતા.
કુંભાણી સુરત આવ્યા હોવાના અહેવાલ બાદ વરાછા વિસ્તારમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ વરાછા વિસ્તારમાં પોસ્ટર અને બેનર સાથે કુંભાણી સામે રોષ ઠાલવ્યો હતો. વરાછા વિસ્તારમાં લાગેલા પોસ્ટર અને બેનરમાં કુંભાણીનો ફોટો પર સુખડનો હાર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પોસ્ટર અને બેનર પર ’કુંભાણી ઠગ ઓફ સુરત’, ’લોકશાહીનો હત્યારો છે’ તેવું લખાણ લખવામાં આવ્યું હતું. કેટલાક કાર્યકરોએ આવી રીતે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.