સુરત, છેલ્લા કેટલાક દિવસથી સુરત લોક્સભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી ચર્ચામાં છે. જો કે સોંગદનામામાં ભૂલ નીકળતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂર્ગભમાં છે. તેમની પત્ની ચાર દિવસ બાદ આજે તેમના નિવાસ્થાને પરત ફરી છે. જેમને સાથે જણાવ્યુ કે સમય આવશે ત્યારે નિલેશ કુંભાણી લોકો સામે આવશે.
બીજી તરફ ગઈ કાલે કેટલાક રાજકીય નેતા દ્વારા નિલેશ કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય તે માટે પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ એક નિવેદનમાં જણાવ્યુ કે નિલેશ કુભાણીનુ સ્વાગત ફૂલથી થશે કે પથ્થરથી તે સમય બતાવશે. જેના પગલે નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. બિલ્ડીંગના નીચે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જવાનો ગોઠવાયા છે.
ચૂંટણી પંચ નિલેશ કુંભાણી સામે કડક પગલા લઈ શકે છે. નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો રિપોર્ટ દિલ્લી ચુંટણી પંચમાં પહોંચ્યો છે. ટેકેદારોની ખોટી સહી મુદ્દે સુરત કલેક્ટર અને નિરીક્ષકે રિપોર્ટ તૈયાર કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ આ રિપોર્ટ દિલ્લી મોકલ્યો છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આવા કેસમાં નવ ઉમેદવારો પર ત્રણ વર્ષનો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે.