મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ માં સતત બીજા દિવસે જબરદસ્ત મેચ રહી હતી. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સને તેના જ ઘરમાં અંતિમ ઓવરમાં હરાવ્યુ હતુ. રિંકૂ સિંહે સળંગ ૫ છગ્ગા નોંધાવીને કોલકાતાને જીત અપાવી હતી. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના જ ઘરમાં લખનૌ સુપર જાયન્ટ્સે હરાવ્યુ છે. આ મેચ પણ દિલધડક રહી હતી. અંતિમ બોલ સુધી અનિશ્ર્ચિતા રહી અને અંતમાં એક વિકેટથી લખનૌએ જીત મેળવી હતી. આ મેચમાં મહત્વની ભૂમિકા નિકોલસ પૂરને નિભાવી હતી. તેણે તોફાની રમત વડે બેંગ્લોરને હારનો માર્ગ લખ્યો હતો. જેમાં સ્ટોઈનીસે મહત્વનો સાથ નિભાવ્યો હતો.
પૂરને ઝડપી અડધી સદી નોંધાવતી ઈનીંગ રમી હતી. બોલની રીતે જોવામાં આવે તો પૂરનની ઈનીંગ ખૂબ જ નાની રહી હતી. પરંતુ આ દરમિયાન તેણે નિકાળેલા રનને જોવામાં આવે તો લખનૌની જીત માટે મહત્વના હતા. પૂરને ૬૨ રનની ઈનીંગ રમી હતી. તેણે ઝડપી અડધી સદી નોંધાવી હતી. સિઝનમાં અજિંક્ય રહાણેએ ઝડપી અડધી સદી નોંધાવી હતી, તેને પૂરને બેંગ્લોરમાં તોડીને સિઝનની સૌથી ઝડપી અડધી સદી પોતાના નામે કરી હતી.
લખનૌની ટીમે શરુઆતમાં જ પોતાના સ્ટાર ખલેાડીઓની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર મેયર્સ સહિત ત્રણ વિકેટ માત્ર ૨૩ રનમાં જ ગુમાવી દીધી હતી. આમ પાવર પ્લેમાં માત્ર ૩૭ રન જ લખનૌએ ૩ વિકેટના નુક્શાને નોંધાવ્યા હતા. જોકે બાદમાં માર્કસ સ્ટોઈનીસ અને બાદમાં નિકોલસ પૂરનનુ વાવાઝોડુ ફુંકાયુ હતુ. બંનેએ ધમાલ મચાવતા એક બાદ એક બેંગ્લોરના બોલરની ખબર લેવી શરુ કરી હતી. જેને લઈ બંનેએ લખનૌની જીતનો માર્ગ તૈયાર કરી દીધો હતો. એક સમયે મેચમાંથી બહાર થઈ ચૂકેલ લખનૌ માટે લક્ષ્યની નજીક પહોંચવુ મુશ્કેલ હતુ. પરંતુ સ્ટોઈનીસ અને પૂરનની રમતે મેચને રોમાંચક બનાવવા સાથે બેંગ્લોર પર આફત ઉતારી દીધી હતી.
પૂરને ૧૫ બોલમાં જ અડધી સદી પૂરી કરી લીધી હતી. જ્યારે ૧૯ બોલની ઈનીંગમાં તેમે ૬૨ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન પૂરને ૭ વિશાળ છગ્ગા જમાવ્યા હતા અને ૪ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ રમતે રમતનો ગિયર બદલી દીધો હતો અને લખનૌની જીત નિશ્ર્ચિત બનાવી દીધી હતી. સ્ટોઈનીસે ૩૦ બોલમાં ૬૫ રન નોંધાવ્યા હતા. તેણે ૫ છગ્ગા ફટકાર્યા હતા.
આ બેટરોએ ધરાવે છે સૌથી ઝડપી અડધી સદી
કેએલ રાહુલ: વર્ષ ૨૦૧૮માં પંજાબ કિંગ્સ વતી રમતા દિલ્હી કેપિટલ્સ સામે ૧૪ બોલમાં અડધી સદી નોંધાવી હતી.
પેટ કમિન્સ: વર્ષ ૨૦૨૨ માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ૧૪ બોલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે અડધી સદી નોંધાવી હતી.
નિકોલ્સ પૂરન: સોમવારે આઇપીએલ ૨૦૨૩ ની મેચમાં બેંગ્લોર સામે ૧૫ બોલમાં જ અડધી સદી નોંધાવી હતી.
યુસુફ પઠાણ: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વતી રમતા પઠાણે ૨૦૧૪ ના વર્ષમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અડધી સદી ૧૫ બોલમાં નોંધાવી હતી.
સુનિલ નરેન: કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ૧૫ બોલમાં ૨૦૧૭ના વર્ષમાં બેગ્લોર સામે અડધી સદી નોંધાવી હતી.