નિકોલસ માદુરો વેનેઝુએલાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા, વિપક્ષે ધાંધલધમાલનો આરોપ લગાવ્યો

વેનેઝુએલામાં રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિકોલસ માદુરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, વિપક્ષી નેતાઓ પરિણામોથી ખુશ નથી અને વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. નેશનલ ઈલેક્ટોરલ કાઉન્સિલના વડા એલ્વિસ એમોરોસોએ જણાવ્યું હતું કે માદુરોને ૫૧ ટકા મત મળ્યા છે, જ્યારે વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝને ૪૪ ટકા મત મળ્યા છે. તેમણે કહ્યું કે આ પરિણામો ૮૦ ટકા મતદાન મથકો પર પડેલા મતો પર આધારિત છે. ચૂંટણી સત્તાવાળાએ હજુ સુધી ૩૦,૦૦૦ મતદાન મથકોમાંથી સત્તાવાર મતદાનના આંકડા જાહેર કર્યા નથી, જે વિપક્ષને પરિણામોની પુષ્ટિ કરતા અટકાવે છે.

વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને આ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષ તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા આર્થિક સંકટનો ઉકેલ લાવશે. વેનેઝુએલામાં આથક સંકટને કારણે લગભગ ૭૦ લાખ લોકો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. ૭૪ વર્ષના એડમન્ડો ગોન્ઝાલેઝ યુરેશિયાના નેતૃત્વમાં વિપક્ષે માદુરો સામે ચૂંટણી લડી હતી. જો કે તેઓ છેલ્લા ૧૧ વર્ષથી સત્તામાં રહેલા માદુરોને હરાવી શક્યા નથી.

વેનેઝુએલાના લોકો રવિવારની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની ઉત્સુક્તાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જે ૨૫ વર્ષના એકલ-પક્ષીય શાસનના અંતનો માર્ગ મોકળો કરી શકે છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ત્રીજી ટર્મ માટે ગોન્ઝાલેઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી નેતાઓને ગોન્ઝાલેઝની જીતનો વિશ્ર્વાસ હતો અને તેઓએ કેટલાક મતદાન મથકોની બહાર ઉજવણી કરવાનું પણ શરૂ કર્યું હતું. મતદાન સાંજે ૬ વાગ્યે સમાપ્ત થવાનું હતું, પરંતુ કરાકાસના કેટલાક મતદાન મથકો પર લગભગ છ કલાક સુધી મતદાન થયું હતું.