
વોશિગ્ટન,
તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરનાર રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ તેમના ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે અમેરિકામાં તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેમનું એપ્રૂવલ રેટિંગ રાષ્ટ્રપતિ બાઈડેન કરતાં પણ વધારે છે. વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. હેલીએ બાઈડેન સરકાર વતી વિદેશ મોકલાતી મદદને લઈને આકરા પ્રહાર કર્યા હતા. એક ઓપિનિયન લેખમાં તેમણે કહ્યું કે અમેરિકા દર વર્ષે ૪૬ અબજ ડૉલરનો ખર્ચ કરે છે જેનાથી ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોને ફાયદો મળે છે. તેમણે કહ્યું કે હું મારા શત્રુઓને મદદ તરીકે મોકલાતી ફન્ડિંગનો સંપૂર્ણપણે અંત લાવી દઈશ.
બાઈડેન સરકારે પાકિસ્તાનને સૈન્ય સહાય કરવાનું ચાલુ રાખ્યું છે અને અમેરિકી કરદાતાઓના પૈસા હજુ પણ કમ્યુનિસ્ટ ચીન પાસે કેટલાક હાસ્યાસ્પદ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત કાર્યક્રમના નામે જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે બેલારુસને પણ મદદ કરીએ છીએ જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનનો સૌથી ખાસ મિત્ર છે. અમે ક્યુબાને મદદ કરીએ છીએ જ્યાંની સરકારે અમને આતંકવાદના પ્રાયોજક ગણાવ્યા છે. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં અમારો વિરોધ થાય છે અને ત્યાં આતંકી સંગઠનો પણ સક્રિય છે છતાં ત્યાં મદદ મોકલાય છે.