નિખિલ કારેલની બદલી મામલે ગુજરાત ચીફ જસ્ટિસની કોર્ટમાં વકીલોનો વિરોધ

અમદાવાદ,

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ નિખિલ એસ કારેલ અને જસ્ટિસ એ અભિષેક રેડ્ડીને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. બુધવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે નિખિલ કારેલના ટ્રાન્સફર મામલે ગુજરાત ચીફ જસ્ટિસની કોર્ટમાં વકીલોએ વિરોધ કર્યો હતો. સુનાવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટરૂમમાં અચાનક ૩૦૦ જેટલા વકીલો એકઠા થઈ ગયા તે જોઈને ચીફ જસ્ટિસે પૂછ્યું કે, અચાનક ધસારો કેવી રીતે થયો? ત્યારે એક વરિષ્ઠ વકીલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને કહ્યું કે, અમે અહીં ન્યાયતંત્રની સ્વતંત્રતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે આવ્યા છે.

જસ્ટિસ આશુતોષ જે. શાી સાથે બેઠેલા મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કેમ, શું થયું? ત્યારે વકીલોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ નિખિલ કારેલની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. અમે અહીં બે મિનિટનું મૌન પાળવા માટે આવ્યા છીએ. આમ જવાબ આપી વકીલોએ બે મિનિટનું મૌન પાળવાની પરવાનગી માંગી હતી. જો કે, ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, મને આ બાબતે કોઈ જાણ નથી.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કારેલનો જન્મ ૯ મે, ૧૯૭૪ના રોજ થયો હતો. તેમણે વર્ષ ૧૯૯૮માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એડવોકેટ તરીકે નોંધણી કરી અને સવસ લો, સિવિલ અને ફોજદારી કાયદાના ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે ૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળ્યો હતો.