એનઆઇએના પૂર્વ વડા દિનકર ગુપ્તાને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપી

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે એનઆઇએના પૂર્વ વડા દિનકર ગુપ્તાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. આ સુરક્ષા સીઆરપીએફ દ્વારા આપવામાં આવશે અને ઝેડ પ્લસ સુરક્ષા પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં દિનકર ગુપ્તા માટે લાગુ પડશે. સરકારના આદેશ અનુસાર, તે માર્ચ ૨૦૨૪ થી અમલમાં આવ્યો છે. ૧૯૮૭ બેચના પંજાબ કેડરના આઇપીએસ અધિકારી દિનકર ગુપ્તાએ જૂન ૨૦૨૨ થી માર્ચ ૩૧, ૨૦૨૪ સુધી એનઆઇએ ચીફનું પદ સંભાળ્યું હતું. દિનકર ગુપ્તાએ પંજાબના પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ) તરીકે પણ સેવા આપી છે.

રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી જૂથોના વધતા ખતરાને જોતા સરકારે દિનકર ગુપ્તાની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારને ગુપ્ત માહિતી મળી છે કે મહત્વના હોદ્દા પર રહેલા અધિકારીઓને આતંકવાદી જૂથોથી ખતરો છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ઉગ્રવાદી જૂથો વધુ આક્રમક બન્યા છે.

પંજાબ પોલીસમાં દિનકર ગુપ્તાનો કાર્યકાળ સિદ્ધિઓથી ભરેલો હતો. રિપોર્ટ્સ અનુસાર, દિનકર ગુપ્તાએ પંજાબમાં સંગઠિત અપરાધનો સામનો કરવા માટે પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવી હતી. તે સમયગાળા દરમિયાન, પંજાબના ૩૮એ-લિસ્ટ ગેંગસ્ટરોમાંથી ૨૧ પકડાયા અથવા માર્યા ગયા. પંજાબના ગુપ્તચર વિભાગના વડા તરીકે દિનકર ગુપ્તાએ પંજાબમાં કટ્ટરપંથી તત્વોને નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.