ન્યુઝીલેન્ડ સિરિઝ પહેલાં ભારતને મોટો ઝટકો:શ્રેયસ અય્યર ઈજાને કારણે ટીમથી બહાર

નવીદિલ્હી,

વન-ડે સિરીઝ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીઠની ઈજાને કારણે અય્યર શ્રેણીમાંથી બહાર થયા છે. હવે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીમાં જઈને તેમની સારવાર કરાવશે.

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ ૧૮ જાન્યુઆરીએ રમાશે. ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચની સિરીઝ રમવા જઈ રહી છે. તાજેતરમાં જ, ભારતે શ્રીલંકા સામેની વન-ડે અને ટી ૨૦ શ્રેણીમાં શાનદાર જીત મેળવી હતી.

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. હવે શ્રેયસ વન-ડે સિરીઝમાં નહીં હોવાને કારણે સૂર્યકુમાર યાદવને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તેવી આશા છે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝની બે મેચમાં સૂર્યાનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

ન્યુઝીલેન્ડ સામેની ભારતની વન-ડે ટીમ

રોહિત શર્મા (કે), શુબમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાદક પંડ્યા (વાઈસ કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

ભારત અને ન્યુઝીલેન્ડ વન-ડે સિરીઝ શિડ્યુલ

પહેલી વન-ડે: ૧૮ જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી વન-ડે: ૨૧ જાન્યુઆરી, રાયપુર

ત્રીજી વન-ડે: ૨૪ જાન્યુઆરી, ઈન્દોર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ૧૧૩ વન-ડે રમાઈ છે, જેમાં ભારતે ૫૫ અને ન્યૂઝીલેન્ડે ૫૦ મેચ જીતી છે. સાત મેચનું પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈ પર રહી હતી. બંને ટીમોની છેલ્લી વન-ડે શ્રેણી થોડા મહિના પહેલા રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને તેના ઘરઆંગણે ૧-૦થી હરાવ્યું હતું. તે વન-ડે સિરીઝનું ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ બાદ આયોજન કરવામાં આવ્યું હતું અને શિખર ધવને ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.