વેલિંગ્ટન,
વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને ૧ રનથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે ૨૫૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ ૨૫૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે ૨ ટેસ્ટની શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડ ટીમે માઉન્ટ મૌંગાનુઇ ખાતેની પ્રથમ ટેસ્ટ ૨૬૭ રનથી જીતી હતી. ન્યુઝીલેન્ડની જીતનો હીરો નીલ વેગનર રહ્યો હતો. તેણે બીજા દાવમાં ૪ વિકેટ ઝડપી હતી. આ પહેલા ૧૯૯૩માં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને એડિલેડ ટેસ્ટમાં ૧ રનથી હરાવ્યું હતું. ૩૦ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે આ કમાલ ફરી કરી બતાવ્યો છે.
ટેસ્ટ ઈતિહાસમાં આ ચોથી વખત છે, જ્યારે ફોલોઓન રમતી ટીમે મેચ જીતી હોય. ઈંગ્લેન્ડને જીતવા માટે ૨૫૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. એક સમયે ઈંગ્લેન્ડે ૮૦ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ જો રૂટ અને સુકાની બેન સ્ટોક્સે છઠ્ઠી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરી અને ઈંગ્લેન્ડને મેચમાં પરત લાવી દીધું. આ પછી બેન ફોક્સે પણ ૩૫ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ફોક્સના આઉટ થતાં જ ઈંગ્લેન્ડનો દાવ ખોરવાઈ ગયો હતો. ઈંગ્લેન્ડની છેલ્લી જોડી ૭ રન બનાવી શકી ન હતી. જેમ્સ એન્ડરસને આવતાની સાથે જ ચોક્કસપણે બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ, જે બેટર છેલ્લે આઉટ થયો હતો તે જ રહ્યો. નીલ વેગનરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.ન્યુઝીલેન્ડની જીતનો હીરો નીલ વેગનર રહ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં ૬૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેના સિવાય કેપ્ટન ટિમ સાઉથીને ૩ વિકેટ મળી હતી. મેટ હેન્રી પણ ૨ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડે ફોલોઓન કરતાં તેની બીજી ઇનિંગમાં ૪૮૩ રન બનાવ્યા હતા. એટલે કે તેણે ઈંગ્લેન્ડની ૨૨૬ રનની લીડ ઘટાડી દીધી. તે સિવાય ૨૫૮ રનનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૩૨ રનની ઇનિંગ રમનાર કેન વિલિયમસનની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે આ લક્ષ્યનો પીછો શરૂ કર્યો ત્યારે તેની શરૂઆત ખોરવાઈ ગઈ. તેની ૫ વિકેટ માત્ર ૮૦ રનમાં પડી ગઈ હતી.