ગાંધીનગર, ન્યૂઝીલેન્ડના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ તેમના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સ્થિત વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સ્વામિનારાયણ અક્ષરધામના પૂજ્ય વિશ્વવિહારીદાસ સ્વામીએ સુશોભિત મયુર દ્વાર ખાતે નાયબ વડાપ્રધાન અને પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. નાયબ વડાપ્રધાનની સાથે ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઈન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ, સ્વામિનારાયણ અક્ષરધામના વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિસ્ત્રીએ નાયબ વડાપ્રધાનને ભગવાન સ્વામિનારાયણ(૧૭૮૧-૧૮૩૦), તેમજ સર્વે અવતારો, દેવો, મહાપુરુષોને અંજલિ આપતાં, ૨૩ એકરમાં ફેલાયેલાં ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ એવા સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી આપી હતી. અક્ષરધામ ભારતની મહાન પરંપરાઓ, ગૌરવશાળી વારસા અને પ્રાચીન સ્થાપત્યને ઉજાગર કરતું, લોકોમાં શ્રદ્ધા, ભક્તિ અને સંવાદિતાના કાલાતીત હિન્દુ આધ્યાત્મિક સંદેશાને પ્રસારિત કરતું અદ્વિતીય સ્થાન છે. ત્યારબાદ, નાયબ વડા પ્રધાને અભિષેક મંડપમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર-યોગી સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કરી વિશ્ર્વમાં શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.
અભિષેક કર્યા બાદ નાયબ વડાપ્રધાને અક્ષરધામ મહામંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અક્ષરધામના કલા અને સ્થાપત્યને માણતાં તેઓ બીએપીએસના પાંચમા આધ્યાત્મિક ગુરુ અને સ્વામિનારાયણ અક્ષરધામના પ્રેરણામૂત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કેવી રીતે હજારો સ્વયંસેવકો અને કારીગરોને પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, અહિંસા, સહઅસ્તિત્વ અને વૈશ્વિક સંવાદિતાના મૂલ્યો પ્રસારિત કરતાં અક્ષરધામના સર્જનની પ્રેરણા આપી હતી, તે જાણી અભિભૂત થયા હતા.
નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પિટર્સે તેઓની અક્ષરધામ અનુભૂતિ જણાવતાં કહ્યું, “અહીં મારી ખાસ મુલાકાતનું આયોજન કરવા બદલ હું તમારો આભારી છું, કારણ કે દર સોમવારે અક્ષરધામ મંદિર બંધ રહે છે. હું આ મુલાકાતથી અભિભૂત છું, અને અહીં આપેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તમારા આતિથ્ય માટે આભાર, અને એક મહિના પહેલા સ્વામી દ્વારા મને અગાઉથી આપેલી જન્મદિવસની શુભેચ્છાઓની કદર કરું છું. ન્યુઝીલેન્ડમાં બીએપીએસ દ્વારા પરંપરાગત શૈલીના પથ્થરના મંદિર માટે ઉત્સુક છું.” તેમણે અક્ષરધામની વિઝિટર બુકમાં પોતાની આ મુલાકાત અંગે લખ્યું, “આ વિશિષ્ટ મુલાકાત અને માર્ગદર્શન માટે આપનો અંત:કરણપૂર્વક આભાર.”