નવીદિલ્હી,ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના ૩૩ વર્ષીય યુવાન શામલ શર્માને એક મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવાના આરોપસર ૧૯ વર્ષથી વધારે કેદની સજા ફટકારાઈ છે.
સપ્ટેમ્બર ૨૦૨૧માં ૨૭ વર્ષીય લીના ઝાંગ નામની મહિલાનો મૃતદેહ તેના ઘરથી એક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. એ પછી પોલીસે શામલ શર્માની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા અનુસાર લીના સવારે વોક કરવા નીકળી હતી ત્યારે રસ્તામાં મળેલા શર્માએ તેના પર દુષ્કર્મ કર્યુ હતુ અને એ પછી તેનુ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી.
લીનાના મૃતદેહને ઝાડીઓમાં છુપાવી દીધા બાદ શર્મા ત્યાંથી ભાગી ગયો હતો. બે દિવસ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. મહિલાના માથા પર ૧૩ જેટલી ઈજાના નિશાન હતા. સરકારી વકીલ મેથ્યૂ નાથને કોર્ટને કહ્યુ હતુ કે, ભલે શામલ શર્મા સિજોફ્રેનિયાથી પિડિત હોય પણ મહિલા પર તેણે રેપ કરવા માટે હુમલો કર્યો હતો.
લીના સાથે દુષ્કર્મની ઘટના બની તેના ૨૪ કલાક પહેલા જ શામલે ફુટપાથ પર ચાલી રહેલી મહિલાને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ મહિલા કોઈ રીતે પોતાનો બચાવ કરવામાં સફળ રહી હતી. લીનાની માતાએ કોર્ટને કહ્યુ હતુ કે, આરોપીને થયેલી કોઈ પણ સજા પૂરતી નથી. કોઈ પણ પ્રકારનો ન્યાય મારા જીવનમાંથી જતા રહેલા મારા પુત્રીના પ્રેમની જગ્યા નહીં લઈ શકે.