મુંબઇ. હાલ આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલ એના રોમાંચની ચરમસીમા પર પહોંચી ચુકી છે. આઈપીએલ બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં સંયુક્ત રીતે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ રમાનાર છે. ક્રિકેટના આ ફોર્મેટમાં ઓછા બોલમાં વધારે રન બનાવનાર ખેલાડીઓની ડિમાન્ડ છે. એવામાં એક એવા ખેલાડીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે જે ટી-૨૦ ફોર્મેટમાં અત્યાર સુધી ૩ શતક લગાવી ચુક્યો છે.આ ખેલાડીના સન્યાસથી તેના લાખો ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે.
અહીં વાત થઈ રહી છે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ધુઆંધાર બેટ્સમેન કોલિન મુનરોની. ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો આંચકો આપ્યો છે. ૩૭ વર્ષની ઉંમરે આ ખતરનાક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટી ૨૦ ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર આ ખતરનાક બેટ્સમેને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
કોલિન મુનરોએ છેલ્લા ૪ વર્ષથી ન્યૂઝીલેન્ડ માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. લાંબા સમય સુધી ટીમની બહાર રાખવામાં આવ્યા બાદ આ બેટ્સમેને આખરે પોતાની કારકિર્દીને લઈને મોટો નિર્ણય લીધો છે. કોલિન મુનરોએ ન્યુઝીલેન્ડ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ બે ઓવલ ખાતે ભારત સામે રમી હતી. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે ૧ ટેસ્ટ, ૫૭ વનડે અને ૬૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે ૫૭ વનડે મેચોમાં ૨૪.૯૨ની એવરેજથી ૧૨૭૧ રન બનાવ્યા છે, જેમાં ૮ અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૭ રન હતો. કોલિન મુનરોના નામે વનડેમાં ૭ વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૦ રનમાં ૨ વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે ૬૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૧.૩૫ની સરેરાશથી ૧૭૨૪ રન બનાવ્યા છે, જેમાં ૩ સદી અને ૧૧ અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૦૯ રન હતો. કોલિન મુનરોના નામે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૪ વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૨ રનમાં ૧ વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે ૧ ટેસ્ટ મેચમાં ૧૫ રન બનાવ્યા છે. ૧ ટેસ્ટ મેચમાં ૨ વિકેટ લેવાનો રેકોર્ડ કોલિન મુનરોના નામે છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૪૦ રનમાં ૨ વિકેટ રહ્યું છે.
કોલિન મુનરો ન્યૂઝીલેન્ડનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારી છે. કોલિન મુનરો ૨૦૧૪ અને ૨૦૧૬ ટી ૨૦ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ હતો. કોલિન મુનરો ન્યુઝીલેન્ડની ટીમનો પણ એક ભાગ હતો જેણે ૨૦૧૯ વર્લ્ડ કપમાં રનર-અપ રહી હતી. કોલિન મુનરો પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. કોલિન મુનરોએ આઇપીએલની ૧૩ મેચોમાં ૧૪.૭૫ની એવરેજથી ૧૭૭ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૪૦ રન હતો. કોલિન મુનરો આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. ૩૭ વર્ષીય કોલિન મુનરોએ કહ્યું, ’બ્લેકકેપ્સ માટે રમવું એ હંમેશા મારી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. મેં ન્યૂઝીલેન્ડની જર્સી પહેરવા કરતાં વધુ ગર્વ અનુભવ્યો નથી. આ એવી વસ્તુ છે જેના પર મને હંમેશા ગર્વ રહેશે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે બ્લેકકેપ્સ ટીમની જાહેરાત સાથે, હવે તે પ્રકરણને સત્તાવાર રીતે બંધ કરવાનો યોગ્ય સમય છે.