
બેકાબૂ મોંઘવારીને કારણે ઘણા દેશોમાં સામાન્ય લોકોની કમર તૂટી રહી છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં તો લોકોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે કરિયાણા અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોમાં ચોરીઓ ઝડપથી વધી છે. કેટલાક વિસ્તારોમાં તો ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. અને લોકો ખુલ્લેઆમ કોઈ પણ ડર વિના સ્ટોર્સમાંથી માલસામાનની ચોરી કરી રહ્યા છે.
એકંદરે સ્થિતિ અસ્તવ્યસ્ત બની રહી છે. રિટેલ વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર સંગઠિત ગુનેગારો દ્વારા લૂંટ અને ચોરીના કારણે બંને દેશોમાં એક વર્ષમાં 72 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ગ્રોસરી ચેનમાં એક નોર્થ આઇલેન્ડની ફૂડસ્ટફ્સે ઓગસ્ટમાં સ્ટોરના ફૂટેજ જાહેર કર્યા હતા. જેમાં લોકો કોઈ પણ શરમ રાખ્યા વગર ચોરીઓ કરી રહ્યા છે.
નિષ્ણાતો જણાવે છે કે આ ઘટનાઓ વધતી જતી મોંઘવારીને કારણે લોકોને પડી રહેલી સમસ્યાઓને પણ ઉજાગર કરે છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા ઑગસ્ટના એક સર્વેક્ષણ મુજબ લગભગ 30 ટકા ઓસ્ટ્રેલિયનોને તેમની આવક પર જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. લોકો કરિયાણા અને જરૂરી વસ્તુઓ પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં કાર્યરત ક્રાઈમ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ઓરેરના સહ-સ્થાપક અને સીઈઓ ફિલ થોમસન કહે છે કે સ્ટોર્સમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થવાથી સંગઠિત ગુનેગારો માટે ખાદ્ય પદાર્થો અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓની ચોરી કરવાની તકો વધી છે.
મોટા ભાગની જે ચોરીઓ થઈ રહી છે તે એવા છે જેમણે આ ગુનાને સંપૂર્ણપણે પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. લગભગ 10 ટકા લોકો લગભગ 60 ટકા ગુનાઓ કરે છે. તેઓ ઓર્ડર માટે ચોરી કરી રહ્યા છે અને ચોરીનો માલ પણ વેચી રહ્યા છે. સ્ટોર્સમાં લૂંટફાટ અને ચોરીની ઘટનાઓ એકલા ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં નથી બની રહી. અમેરિકામાં પણ આવી ઘટનાઓ બની રહી છે.
કેલિફોર્નિયામાં તો ગુનેગારોએ ગેંગ બનાવી છે અને મોંઘો માલ વેચતા મોલ્સ અને સ્ટોર્સ પર હુમલો કરી રહ્યા છે. બ્રિટનમાં પણ સંગઠિત ગુનેગારો મોંઘી વસ્તુઓની ચોરી કરી રહ્યા છે ત્યાં ચોરીઓ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક સ્ટોરમાં લૂંટારુઓ લૂંટ ચલાવી છે ત્યાં મંગળવારે સાંજે સેન્ટર સિટીમાં ટોળકીએ ઘણી દુકાનોમાં લૂંટ ચલાવી હતી. ફૂટ લોકરમાં સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. એપલ સ્ટોર પણ લૂંટાયેલા સ્ટોર્સમાં સામેલ છે. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માસ્ક પહેરેલાં યુવક-યુવતીઓ બળજબરીથી દુકાનોમાં ઘૂસતાં જોવા મળી રહ્યાં છે. જે કાંઈ હાથ આવ્યું તે લૂંટીને ફરાર થઈ ગયા.
ઓસ્ટ્રેલિયામાં સેલ્ફ-ચેકઆઉટ બંધ કરવામાં આવી રહ્યું છે. સ્ટોર્સ ઓટોમેટેડ ગેટ અને ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી અપનાવી રહ્યા છે જેથી કરીને અગાઉ શોપલિફ્ટ કરનાર વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશે કે તરત જ તેને શોધી શકાય. લૂંટફાટનો સામનો કરવા અમેરિકામાં સ્ટોર્સ પર સશસ્ત્ર રક્ષકો તહેનાત કરાયા છે. બ્રિટનમાં ડમી ઉત્પાદનો બતાવાય છે. મતલબ કે અસલી વસ્તુઓ ગ્રાહકોને બતાવવામાં આવી રહી નથી.